Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મોરબી જિ.પં.નું ૬.૩૯ કરોડની પુરાંતવાળુ બજેટ મંજૂર

મોરબી તા. ૨૮ : જીલ્લા પંચાયતની આજે કારોબારી સમિતિની બેઠકમાં તમામ મુદાઓને બહાલી આપવામાં આવી છે સાથે જ આગામી વર્ષ માટેનું ૬.૩૯ કરોડની પુરાંતવાળું બજેટ કારોબારીમાં મંજુર કરવામાં આવ્યું છે જેને આગામી સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે.

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ હેમાંગ રાવલ અને ઇન્ચાર્જ ડીડીઓના અધ્યક્ષસ્થાને મળેલી કારોબારી સમિતિની બેઠકમાં તમામ ૩૧ એજન્ડાઓને મંજુરી મળી હતી સાથે જ આગામી વર્ષ ૨૦૧૯-૨૦ નું બજેટ પણ કારોબારીની બેઠકમાં સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું જીલ્લા પંચાયતના બજેટમાં આગામી વર્ષ ૨૦૧૯-૨૦ નું તા. ૧ના રોજ મળનાર સામાન્ય સભામાં રજુ કરવામાં આવશે કારોબારી બેઠકમાં ૬.૩૯ કરોડની પુરાંતવાળું બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે ૧૨૭.૩૦ લાખ જેમાં માનદ વેતન, પગાર ભથ્થાનો સમાવેશ કરાયો છે તે ઉપરાંત પંચાયત અને વિકાસ ક્ષેત્રે કુલ ૫ કરોડ ૨૦ લાખની જોગવાઈ, શિક્ષણ ક્ષેત્રે ૭૫.૩૩ લાખ, આરોગ્ય અને આયુર્વેદ ક્ષેત્રે ૧૪.૧૦ લાખની જોગવાઈ, ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે કુલ ૧૫.૮૫ લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે ૪૫ લાખ, કુદરતી આફતો માટે ૫ લાખ, સિંચાઈ ક્ષેત્રે ૧૮.૭૫ લાખ, બાંધકામ ક્ષેત્રે ૧૨૦.૨૦ લાખની જોગવાઈ તેમજ પ્રકીર્ણ યોજનાઓ અને કાર્યો અંગે ૮૨ લાખની જોગવાઈનો સમાવેશ થાય છે જેમાં ૨ લાખ પ્રકાશન અને પ્રચાર તથા લોકમેળા, સાંસ્કૃતિક કાર્યક્રમ, સન્માન સમારોહ માટે ૫ લાખ ની જોગવાઈનો સમાવેશ કરાયેલ છે.

બજેટમાં ખેતીવાડી, સિંચાઈની જોગવાઈમાં કરાયો સુધારો

કારોબારી બેઠકમાં મંજુર કરેલ બજેટમાં કેટલીક જોગવાઈઓમાં સુધારો કરાયો છે જેમાં ખેતીવાડીમાં ખેડૂત પ્રેરણા પ્રવાસ કે તાલીમ માટેના ખર્ચની મૂળ જોગવાઈ ૦.૨૫ લાખથી સુધારીને ૩.૫૦ લાખ કરાઈ છે તેવી જ રીતે નાની સિંચાઈમાં જુના તળાવો, ડેમ મરમ્મત માટે ખર્ચની મૂળ જોગવાઈ ૫ લાખ હતી જેને સુધારીને ૧૦ લાખ કરવામાં આવી છે તેમજ સ્વભંડોળ આવક જાહેર બાંધકામમાં ટેન્ડર ફી ની આવકની મૂળ જોગવાઈ ૦.૧૦ લાખ હતી જે સુધારીને ૦.૫૦ લાખ કરવામાં આવી છે.(૨૧.૪)

 

(12:01 pm IST)