Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

મોરબીના પીપળીની સીમમાં પ્લેનમાંથી સળગતો પદાર્થ પડતા લોકોમાં ગભરાટ

જાગૃત ગ્રામ્યજનો દ્વારા જાણ કરતા પોલીસે તુર્ત જ સ્થળ તપાસ કરી કશુ જોખમી ન હોવાનું કહી ભયમુકત રહેવા અને ખોટી અફવા ન ફેલાવા અપીલ કરી

 મોરબી, તા.૨૮: હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે અને યુધ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે મોરબી નજીકના ગામમાં ગત રાત્રીના પ્લેનમાંથી સળગતો પદાર્થ પડતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી જો કે કશું જોખમી કે શંકાસ્પદ જણાઈ આવ્યું નથી અને પોલીસે લોકોને ભયમુકત રહેવા જણાવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ પીપળી ગામની સીમમાં પ્લેનમાંથી સળગતો પદાર્થ પડ્યો હોય તેવી માહિતી ગ્રામજનોએ તાલુકા પોલીસને આપી હતી અને તાલુકા પીએસઆઈ જી આર ગઢવી સહિતનો કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો અને સીમ વિસ્તારમાં સદ્યન તપાસ ચલાવી હતી જોકે તપાસમાં કોઈ જોખમી કે શંકાસ્પદ ચીજ પોલીસને હાથ લાગી ના હતી તો આ મામલે પોલીસે સઘન તપાસ કર્યા બાદ ફાયટર પ્લેન નીચેથી પસાર થતા હોય ત્યારે તણખા ઝરતા હોય છે જે ગ્રામજનોએ જોયા હોય તેવું લાગી રહ્યું છે તો આવી જ સ્થિતિ અનેક ગામોમાં જોવા મળી હતી અને પોલીસને માહિતી મળતા તુરંત પોલીસે તપાસ આદરી હતી જોકે એકપણ સ્થળે કાઈ જોખમી ચીજ મળી આવી નથી.

હાલ યુદ્ઘ જેવી સ્થિતિમાં અફવાઓનું બજાર ગરમ જોવા મળે છે ત્યારે પોલીસે લોકોને અફવાથી દુર રહેવા અને સોશ્યલ મીડિયામાં મેસેજ ફોરવર્ડ કરવામાં જાગૃતિ દાખવવા પણ અપીલ કરી છે.(૨૩.૮)

(11:55 am IST)