Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

જસદણ સફાઇ કામદારોએ હાય હાયના નારા લગાવતા આંદોલન ઉગ્ર બન્યું

જસદણ તા. ૨૮ : એકબાજુ દેશભરમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે બીજી બાજુ આ અભિયાનના પાયાના પથ્થર સમાન ગણાતા સફાઈ કામદારોની જ પડતર માંગણીઓ જસદણ નગરપાલિકા તંત્ર દ્વારા આજદિન સુધી નજર અંદાજ કરી તેમની અવહેલના કરવામાં આવતી હોવાથી જસદણ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો ગત તા.૨૫થી નગરપાલિકા કચેરીના પટાંગણમાં કોન્ટ્રાકટ પ્રથા નાબુદ કરી તમામ સફાઈ કામદારોની કાયમી ભરતી કરો અને બઢતીનાં નિયમો મુજબ સીધી ભરતી કરો તેવી માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન પર બેસી ગયા છે. આ પ્રતિક ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે પણ તમામ સફાઈ કામદારો ગયા વખતની જેમ આ વખતે નિરાકરણ સિવાય નમતું જોખવાના મુડમાં ન હોય તેવા ઘાટ જોવા મળ્યા હતા. ત્યારે જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસરે સફાઈ કામદારોને હડતાલ સમેટી લેવાની ધમકી આપી તમામને છૂટા કરી નાખવામાં આવશે તેવું જણાવવામાં આવતા સફાઈ કામદારોનું ઉપવાસ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું અને હાય હાયના નારા લગાવતા વાતાવરણ ભારે ગરમાયું હતું.ઙ્ગ

ગંદકીના ગંજ ખડકાયા

જસદણ નગરપાલિકાના તમામ સફાઈ કામદારો છેલ્લા ત્રણ દિવસથી પોતાની પડતર માંગણીઓ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન પર ઉતરી આવતા શહેરભરમાં સફાઈ કામગીરી અટકી પડી છે. જેના કારણે શહેરભરની શેરીઓ-ગલીઓમાં ચોમેર ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા તાકીદે શહેરભરમાં સફાઈ કામગીરી શરૂ કરાવવામાં આવે અન્યથા ગંદકીના પગલે શહેરભરમાં રોગચાળો ફાટી નીકળશે તેવી દહેશત નગરજનોમાં હાલ સેવાઈ રહી છે.

જસદણ નગરપાલિકાના સફાઈ કામદારોને હડતાલ સમેટી લેવા ધમકી આપવામાં આવે છે. નહિતર નગરપાલિકામાંથી છૂટા કરી દેવામાં આવશે તેવી ચીફ ઓફીસર દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે. જેના કારણે અમે હાય હાયના નારા લગાવ્યા હતા. મેં ચીફ ઓફિસરને કીધું છે કે જસદણની સફાઈ કામગીરી કરાવવી હોય તો તમે સફાઈ કામદારોને ગોતીને કરાવો.ઙ્ગતેમ વાલ્મિકી સેનાના ગુજરાતના પ્રમુખ જીતુભાઇ બારૈયાએ જણાવ્યું છે.(૨૧.૧૩)

 

(11:53 am IST)