Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સ્વાઇન ફલુથી ભાવનગરમાં -ર, ઝાલાવાડમાં ૧નું મોત

જીવલેણ રોગચાળાએ અજગરી ભરડો લેતા લોકોમાં ભારે ગભરાટ

ભાવનગર તા.ર૮: ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુથી વધુ બેનાં મોત નિપજયા છે.

સ્વાઇન ફલુનો કહેર ભાવનગરમાં યથાવત રહયો છે. શહેરની સરકારી સર ટી. હોસ્પિટલમાં સ્વાઇન ફલુથી બેનાં મોત થયા છે. જેમાં તળાજા તાલુકાનાં ઇસોરાનાં ૭૦ વર્ષીય આઘેડનું તેમજ બોટાદનાં રાણપરનાં ૬૫ વર્ષીય આઘેડનું સ્વાઇન ફલુથી મોત નિપજયું છે.

જયારે વધુ ચાર પોઝિટીવ કેસ પણ સ્વાઇન ફલુનાં નોંધાયા છે. હાલનાં સ્વાઇન ફલુ પોઝિટીવનાં ૧૫ દર્દીઓ સારવાર લઇ રહયા છે.

વઢવાણ

સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડબલ ઋતુ તેમજ ગંદકી અને મચ્છરોના ઉપદ્રવને કારણે શરદી ઉધસર ગળામાં બળવાની તકલીફ સહિતનાં લક્ષણો લોકામાં વધુ જોવા મળી રહયા છે અને જે પૈકી અમુક લોકોને સ્વાઇન ફલુ પોઝિટીવ પણ આવ્યો હતો અને સારવાર દરમ્યાન મોત નિપજયા હતાં છેલ્લા બે મહિનામાં જિલ્લાના પાટડી-૧, ધ્રાંગધ્રા-૧, મૂળી-૧, જોરાવરનગર-૧ અને વઢવાણ-ર મળી કુલ ૬ વ્યકિતને સ્વાઇન ફલુ પોઝિટીવ આવતા અમદાવાદ ખાતે મોત નિપજયા હતા.

જયારે તાજેતરમાં રતનપર ખાતે રહેતા ૫૦ વર્ષીય પુરૂષને સામાન્ય શરદી-ઉધરસ અને ગળામાં બળવાની તકલીફ થતા સારવાર અર્થે પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન મોત નિપજતા સ્વાઇન ફલુનો મૃત્યુ આંકમાં વધારો થયો હતો અને કુલ મૃત્યુ આંક ૭ પર પહોંચ્યો હતો. જિલ્લામાં દિનપ્રતિદિન સ્વાઇન ફલુના રોગે પગ પેસારો  કર્યો છે ત્યારે તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહયો છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નિયમિત સફાઇના અભાવે ઠેર-ઠેર ગંદકી અને કચરાના ઢગ જોવા મળી રહયા છે જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા તેની અસરથી શરદી ઉભરસ ગળુ બળવાની તકલીફમાં વધારો થઇ રહ્યો છે અને પરિણામે સ્વાઇન ફલુ પોઝિટીવ આવતા લોકોના મોત પણ થઇ રહ્યા છે અને તંત્રની બેદરકારી સામે આવી રહી છે અને તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારમાં સર્વે હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(11:37 am IST)