Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ધ્રોલના સોયલ ગામે સરપંચના હસ્તે ધ્વજવંદન તેજસ્વી છાત્રોનું સન્માન

(હસમુખરાય કંસારા દ્વારા) ધ્રોલ,તા. ૨૮ : તાલુકાના સોયલ ગામે તાલુકા શાળાના પટાગણમાં ૭૪માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગ ગામના નાગરિકોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી. નાના નાના ગામડાઓમાં રાષ્ટ્રભકિતની ભાવનાઓ પ્રજ્વલીત થયેલ હોવાનું જણાય આવે છે.

આ પ્રસંગે સરપંચ હિતેષભાઇ દલસાણીયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ. તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં દેશભકિત ગીતો, કવાલી, હાસ્યના ટીકા તથા નાની નાની બાળાઓના અભિનય ગીતો રજુ કરવામાં આવેલ.

શાળાના વિદ્યાર્થીઓએ સ્પર્ધાત્મક રમતોમાં ભાગ લઇને જીલ્લા કક્ષાએ સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવેલ. તેમજ પ્રમાણ પત્રો એનાયત કરવામાં આવેલ. નાના એવા ગામના ભરવાડ જ્ઞાતીના યુવાન ઝાંપડા રાહુલ એમ.એ.સી.એ.ની પરિક્ષામાં સારા માર્કસ સાથે ઉર્તિણ કરી શાળા તથા ગામનું તેમજ ભરવાડ સમાજનું ગૌરવ વધારેલ છે. તેનું પણ આ તકે સન્માન કરવામાં આવેલ

અંતમાં નિવૃત આચાર્ય સીંધાભાઇ તથા શાળાના શિક્ષક દલસાણીયા કાનજીભાઇ તરફથી પ્રજાસત્તાક પર્વની મીઠાઇ વેંચીને આ ઉત્સવ ઉજવ્યો હતો.

(1:41 pm IST)