Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

જૂનાગઢના ટીંબાવાડી ખાતે સોમવારે પ.પૂ. શ્રી શામજીબાપુની ૪૦મી પુણ્‍યતિથિ મહોત્‍સવ તથા સમૂહલગ્નનું આયોજન

શોભાયાત્રા, ધર્મસભા, ભજન સંધ્‍યા તથા મહાપ્રસાદનું આયોજનઃ સાત હજાર પરિવારોને આમંત્રણ મોકલાયા : પાંચ દંપતિઓ લગ્ન ગ્રંથીથી જોડાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૮ : કાળઝાળ કળિયુગમાં પણ જયાં માનવમાત્રને આદર, આવકાર, અન્‍ન અને ઉતારા મળે છે, દીનદુઃખીયા, મુંડીયા, ટેલીયા અને ગાયમાતાની જયાં સેવા થાય છે, એવી જગવિખ્‍યાત શ્રી સતાધારની જગ્‍યાના બ્રહ્મલીન મહંત પ.પૂ. સંતશિરોમણી શ્રી શામજીબાપુની ૪૦ મી પૂણ્‍યતિથિ ટીંબાવાડીના શ્‍યામધામ ખાતે તા. ૩૦-૧-૨૩, સોમવારે ઉજવાશે.

શ્રી ગુજર ક્ષત્રિય કડિયા સમાજ - ટીંબાવાડી દ્વારા નિમાંણ પામી રહેલા ‘શ્‍યામધામ'' ખાતે છેલ્લા તેર વર્ષથી પ.પૂ. શ્રી શામજીબાપુની પૂણ્‍યતિથિ ધામધૂમથી ઉજવાય છે. સમગ્ર સોરઠ પંથકના કડિયા સમાજના પ્રત્‍યેક ઘરે તથા ગુજરાતભરનાં પરિવારોને આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકા પહોંચાડાય છે. આ કાયંક્રમમાં સાધુ-સંતો, દરેક સમાજના આગેવાનો, સરકારી અધિકારીશ્રીઓ, રાજકીય પદાધિકારીશ્રીઓ સહિત લગભગ દશ હજાર લોકો દર વર્ષે જોડાય છે.

આ નિમિતે સવારે ૮:૩૦ ક્‍લાકે પૂજનવિધિ થશે. બપોરે ૨ વાગ્‍યે શ્‍યામવાડી, દાતાર રોડથી શોભાયાત્રા તથા સમૂહ વરઘોડો શરૂ થઇને ૪-૦૦ કલાકે શ્‍યામધામ ખાતે પહોંચશે. જયાં મહાઆરતી બાદ ધર્મસભા તથા જ્ઞાતિ સંમેલનમાં સંતોના આશિર્વાદ તથા મહાનુભાવોના પ્રવચનોનો લાભ મળશે.

આ વર્ષે પૂણ્‍યતિથિ મહોત્‍સવ સાથે સમૂહ લગ્નનું પણ આયોજન રાખેલ છે. જેમાં પાંચ નવદંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. દાતાશ્રીઓના સહકારથી દિકરીઓને જરૂરી તમામ કરીયાવર આપવામાં આવશે.

સાંજે હજારો લોકો હરીહરની હાકલ સાથે સમૂહ મહાપ્રસાદનો લાભ લેશે. રાત્રે ૮-૩૦ કલાકે નામંકિત કલાકારો ભજન સંઘ્‍યા રજુ કરરે.

ભજન-ભકિત અને ભોજનના ત્રિવેણી સંગમ એવા આ કાયંક્રમનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી ભાઇ-બહેનોને પધારવા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ, શ્‍યામધામ, ટીંબાવાડી, જૂનાગઢ વતી પ્રમુખશ્રી લવજીભાઇ સાપરા આમંત્રણ પાઠવે છે.

(6:49 pm IST)