Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ખંભાળિયાના યુવાન પાસેથી તોતિંગ વ્યાજ વસૂલ કરીઃ ધમકી આપતા શખ્સ સામે ગુનો

કોરા ચેકમાં મોટી રકમ ભરીઃ ચેક બાઉન્સ કરાવાયો

ખંભાળિયા, તા.૨૮: ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ યુવાનને રૃા. ૩૦,૦૦૦ હાથ ઉછીના આપી તેની સામે પાંચ ટકાનું વ્યાજ વસૂલ કર્યા પછી પણ મોટી રકમનો ચેક લખીને બાઉન્સ કરાવવા સબબ દલુ રામદે કારીયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે.

ખંભાળિયાના સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા હુસેનભાઈ મામદભાઈ ગજણ નામના ૪૯ વર્ષના યુવાને ઓકટોબર ૨૦૨૧ માસમાં પ્રતિમાસ પાંચ ટકાના વ્યાજથી અહીંના દલુ રામદેભાઈ કારીયા પાસેથી રૃપિયા ૩૦,૦૦૦ લીધા હતા. તેના બદલામાં દલુ કારીયાએ કોરા રજીસ્ટરમાં હુસેનભાઈની સહી કરાવી, બે કોરા ચેક લઈ લીધા હતા.

પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ આરોપી શખ્સે એક દિવસના રૃા. ૬૦૦ લેખે ૨૯ દિવસના કુલ રૃા.૧૭,૪૦૦ લઈ લીધા પછી બાકી રહેતા રૃા. ૧૨,૬૦૦ સામે આરોપી દ્વારા વ્યાજ સહિત ફરિયાદી પાસે રૃા.૫૬,૦૦૦ની માંગણી કરી, આ રકમ બળજબરીપૂર્વક કઢાવી લેવાના ઇરાદે બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની તથા ફરિયાદી હુસેનભાઈની સહીવાળા કોરા ચેકમાં રૃપિયા ચાર લાખ દસ હજાર જેટલી મોટી રકમ ભરી અને બેંકમાં ચેક બાઉન્સ કરાવી, ફરિયાદી હુસેનભાઈ સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હોવાનું વધુમાં જાહેર થયું છે.

નાણા ધીરધારના લાયસનસના નિયમની વિરુદ્ધ વસૂલવામાં આવતા પહાણી વ્યાજ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં દલુ રામદે કારીયા સામે આઈ.પી.સી. કલમ ૩૮૬, ૫૦૪, ૫૦૬ (૨) તથા ધ મની લેન્ડર્સ એકટની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

(1:33 pm IST)