Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

વાંકાનેરના જાંબુડીયાની સીમમાં કારખાનામાંથી ૧૩ લાખના એમડી ડ્રગ્‍સ સાથે રાજસ્‍થાની શખ્‍સ ઝડપાયો

યુવાધનને બરબાદીમાં ધકેલી દેતાં માદક પદાર્થ સહિત ૧૫.૭૭ લાખનો મુદ્દામાલ કબ્‍જેઃ ઝડપાયેલો ઓમપ્રકાશ પોતે પણ નશાનો બંધાણીઃ પડીકીઓ બનાવી વેંચતો હતોઃ છએક માસથી ઓરડીમાં રહેતો હતોઃ વતનથી લાવ્‍યાનું રટણ : મોરબી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલ અને ટીમને સફળતા

રાજકોટ તા. ૨૮: યુવાધનને બરબાદીમાં ધકેલી દેતાં માદક પદાર્થની હેરાફેરીનો પર્દાફાશ સમયાંતરે થતો રહે છે. રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્રભરમાં આ બદ્દી ઘર કરી ગઇ છે. રાજકોટ શહેર પોલીસે અગાઉ પણ આવા માદક પદાર્થ સાથે કેટલાકને પકડયા હતાં. ત્‍યાં હવે મોરબી એલસીબીની ટીમે વાંકાનેર તાલુકા પંથકના એક કારખાનામાં બાતમીને આધારે દરોડો પાડી ત્‍યાં કામ કરતાં અને ત્‍યાંની ઓરડીમાં રહેતાં મુળ રાજસ્‍થાનના શખ્‍સને રૂા. ૧૩ લાખના ૧૩૬ ગ્રામ માદક પદાર્થ એમડી ડ્રગ્‍સ સાથે ઝડપી લેતાં વાંકાનેર પંથકમાં ચકચાર મચી ગઇ છે. આ શખ્‍સ પોતે પણ ડ્રગ્‍સનો બંધાણી છે અને નાની નાની પડીકીઓ બનાવી વેંચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ મોરબી જીલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠીએ જીલ્લામાં માદક પદાર્થની હેરફેર-વેંચાણ સહિતની ગેરકાયદે પ્રવૃતિઓ પર નજર રાખવા અને આવી પ્રવૃતિઓ કોઇ કરતું હોય તો તેને શોધી કાઢવા સુચના આપી હોઇ મોરબી એલસીબી પીઆઇ ડી. એમ. ઢોલ અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે ચોક્કસ બાતમી મળી હતી કે વાંકાનેરના જાંબુડીયા ગામની સીમમાં આવેલા કારખાનામાં રાજસ્‍થાની શખ્‍સે ભાડેથી ત્રણ રૂમ રાખી છે અને ત્‍યાં કેમીકલ બનાવી વેંચાણ કરવામાં આવે છે. સાથે સાથે રાજસ્‍થાની શખ્‍સ માદક પદાર્થની પડીકીઓ બનાવીને પણ વેંચે છે.

આ બાતમીને આધારે આદિત્‍યરાજ નામની ફેક્‍ટરીના રૂમમાં દરોડો પાડવામાં આવતાં રાજસ્‍થાનના બાડમેરનો ઓમપ્રકાશ હરિરામ જાટ માદક પદાર્થ એમડી ડ્રગ્‍સ સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે એફએસએલ અધિકારીને બોલાવી માદક પદાર્થની ખરાઇ કરાવી હતી અને બાદમાં એનડીપીએસ એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરાવવા તજવીજ કરી હતી. રાજસ્‍થાની ઓમપ્રકાશ જાટ પાસેથી રૂા. ૧૩ લાખનું ૧૩૬ ગ્રામ એમડી ડ્રગ્‍સ મળી આવતાં તે તથા ૬૨ હજાર રોકડા, ઇલેક્‍ટ્રીક વજનકાંટો, નાની પડીકીઓ મળી રૂા. ૧૫,૫૭,૧૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ઓમપ્રકાશને અટકાયતમાં લીધો છે. 

ઓમપ્રકાશ જાટે પ્રાથમિક પુછતાછમાં એવું રટણ કર્યુ છે કે પોતે છએક માસથી આ કારખાનાના રૂમો ભાડે રાખીને કેમિકલનું કામ કરે છે. પોતાને ડ્રગ્‍સનો નશો કરવાની આદત હોઇ પોતે વતન રાજસ્‍થાનથી આ  ડ્રગ્‍સ લાવતો હતો. તેમજ છુટક પડીકી બનાવીને વેંચતો હતો. તેના વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ વાંકાનેર તાલુકા પોલીસ હાથ ધરશે.

પીઆઇ ડી. એમ. ઢોલ સાથે આ કામગીરીમાં સુરેશભાઇ, વિક્રમસિંહ, નંદલાલભાઇ, ચંદ્રકાંતભાઇ, વિક્રમભાઇ, સતિષભાઇ અને હરેશભાઇએ આ કામગીરી કરી હતી.

(11:37 am IST)