Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ધંધુકામાં કિશન ભરવાડ હત્યા મામલે કાવતરું ઘડનાર મૌલવી સહીત ત્રણ આરોપીઓની ધરપકડ

મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા: જમાલપુરના મૌલવીની આ હત્યામાં મુખ્ય ભૂમિકા

અમદાવાદના ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની હત્યાના મામલે કુલ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફાયરિંગમાં મદદ કરનાર શખ્સને પણ ઝડપી લેવાયો છે. તો કાવતરું ઘડનાર મૌલવીને પણ ઝડપી લેવાયો છે. શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝની ધરપકડ કરાઈ છે. શબ્બીર ચોપડાએ જ કિશન પર ફાયરિંગ કર્યું હતું. અને ગંભીર ઈજા થતાં તેનું મોત નિપજ્યું. અમદાવાદના જમાલપુરના મૌલવીની આ હત્યામાં મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.

કિશન ભરવાડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરીને હત્યા કરનારા બન્ને આરોપીઓ સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા. જેની તસવીર સામે આવી છે. પોલીસે બાઇક પર સામે આવેલી તસવીરના બંન્ને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે એક મૌલવીને પણ ઝડપી લેવાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસ આ કેસની સઘન તપાસ કરી રહી છે. જે હથિયારથી કિશન ભરવાડની હત્યા થઈ તેનો પણ ખુલાસો થયો છે. તેમાં મૌલવીએ હત્યારાને હથિયાર આપ્યા હતા.

ઉલેખનીય છે કે આજ રોજ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતકના પરિવારની મુલાકાત લીધી હતી. અને જણાવ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરપંથીપણાનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરાઈ છે. એક રિવોલ્વર અને પાંચ કારતૂસ આ મૌલવીએ યુવાનોને આપ્યાં અને આ રિવોલ્વર વડે કિશનની હત્યા કરવામાં આવી હતી.

જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર મૌલવીએ હત્યારાઓને આર્થિક મદદ કરી હતી. યુવકની હત્યા પ્રી-પ્લાન હતી તેમજ હત્યારાને મદદ કરવા માટે આગોતરું આયોજન હતું. પોલીસ વિભાગ દ્વારા હત્યારાઓને ઝડપી લેવા સાત ટીમ બનાવી હતી  અને  હત્યારાઓને શોધવા ચારેતરફ પોલીસની ટીમ રવાના કરી દેવામાં આવી હતી. શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, ધંધૂકા શહેરના સુંદરકૂવા વિસ્તારમાં 25 જાન્યુઆરીના સાંજના સમયે કિશન શિવાભાઈ બોળિયા પર બાઈક પર આવેલા બે શખસ ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. આ ઈજાગ્રસ્ત કિશનને આર.એમ.એસ. હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો. જય ફરજ ઉપર હાજર ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

(8:04 pm IST)