Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

અમરેલીમાં બોગસ લાયસન્સ પ્રકરણમાં ૭માંથી ૨ શખ્સોની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૮: અમરેલી જિલ્લામાં લાયસન્સની કામગીરી કોરોનાના કારણે ઓનલાઈન શરુ થયા બાદ લાયસન્સ ધારકોએ બેકલોગ માટે ઓનલાઈન અરજી કરતા ૭ લાયસન્સ બોગસ હોવાનો પર્દાફાશ થયો છે. એઆરટીઓએ તમામ લાયસન્સ ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. તપાસ દરમિયાન જિલ્લામાં બોગસ ડ્રાઈવીંગ લાયસન્સ બનાવી આપવાનું મોટું રેકેટ ખૂલવાની આશંકા છે.

અમરેલીના એઆરટીઓ ઈન્દ્રજીતભાઈ ટાંકે પોલીસ મથકે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે હાલમાં કોરોના મહામારીના કારણે આરટીઓ દ્વારા ઓનલાઈન પોર્ટલના માઘ્યમથી ફેસલેસ એટલે કે કોઈપણ એકબીજાના ચહેરા ન જોઈ શકે એ રીતે ઓનલાઈન કામગીરી લે છે અને આ કામ અરજદાર પોતાના ઘરે બેસીને પણ કરી શકે છે. તેમાં જદા જુદા અરજદારો તેજાભાઈ હનુભાઈ ભોકળવા (રહે. સુરત), રાજુલાના લાલાભાઈ ગભરુભાઈ કારેનીયા, અમરેલીના જયદિપભાઈ જીવણભાઈ રાજયગુરુ, રાજુલાના સંજયભાઈ બળદેવભાઈ ગડીલુહાર, મહેશભાઈ પ્રેમજીભાઈ મહીડા, બાબરાના દરેડના ભરતભાઈ કાળુભાઈ ખુંટ અને અમરેલીના શબ્બીરભાઈ હારુનભાઈ જોખીયા દ્વારા પોતાના ડ્રાઈવીંગ લાયસન્સના બેકલોગ માટે અરજી કરવામાં આવી હતી. જેમાં તેમના દ્વારા ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના દસ્તાવેજોની કાપી અપલોડ કરવામાં આવી છે પણ આરટીઓના અધિકારીઓ દ્વારા તેની રેકર્ડ પર ચકાસણી કરાતા એ નંબરના ડ્રાઈવીંગ લાયસન્સ અપાયા જ નથી તેથી એ તમામ સાત ડ્રાઈવીંગ લાયસન્સ બોગસ હોવાનું ખૂલતા તમામ અરજદારો સામે પોલીસ મથકે ફરિયાદ નોધાવાતા ખળભળાટ મચી ગયો છે. આ રીતે અમરેલી જિલ્લામાં હજુ પણ અનેક લોકો પાસે આવા જાલી ડ્રાઈવીંગ લાયસન્સ હોવાની શકયતા છે. જો તપાસ થાય તો મોટું કોભાંડ ખૂલે તેમ છે. આ ઘટનાની તપાસ ચલાવી રહેલા ઈન્ચાર્જ પી.આઈ. પ્રશાંત લક્કડનો સંપક સાધતા તેમણે જણાવ્યું કે, સાત પૈકી બેની ધરપકડ કરાઈ છે અને પૂછપરછ ચાલુ છે.

(1:02 pm IST)