Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

વંથલીના બાવાનાં બોડકા ગામે જમણવારમાં અનુ.જાતીના લોકોને અલગ જમવા બેસાડતા ફરીયાદ

ગ્રામ પંચાયતના સભ્યની મહિલા સરપંચ સહિત ૪ સામે આભડછેટની રાવ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮ : વંથલીના બાવાના બોડકા ગામે જમણવારમાં અનુ.જાતિના લોકોને અલગ જમવા બેસાડી તેમની સાથે આભડછેટ ભર્યુ વર્તન કરવામાં આવ્યું હોવાની ફરીયાદ વંથલી પોલીસમાં થતા ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાવાળા બોડકા ગામે ગ્રામ પંચાયતની ચુંટણી બાદ ગત તા.૧ર જાન્યુઆરીના રોજ સાંજે સમસ્ત ગામ માટે જમણવારનું આયોજન કરવામાં આવેલ.

જેમા અનુ.જાતિના માણસોને અલગ જમવા બેસાડી તેઓની સાથે આભડછેટ ભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાની અને લાગણી દુભાવી હોવાની ફરીયાદ ગઇકાલે  રાત્રે ગ્રામ પંચાયતના સભ્ય રવિકુમાર દેવજીભાઇ ચૌહાણે મહિલા સરપંચ કૌશિકાબેન ડાકી તથા તેમના પતિ સરીનભાઇ ડાકી તેમજ કિશોરગર રામગર મેઘનાથી તથા સંગીતાબેન ચુનીલાલ દેસાઇ સહિતના આયોજકો સામે વંથલી પોલીસમાં નોંધાવી હતી.

આ ફરીયાદના આધારે મહિલા પોલીસ જમાદાર વી.જે.વદરે સરપંચ વગેરે સામે એટ્રોસીટી એકટની કલમ ૩(૧) (આર) અને કલમ ૧૧૪ મુજબ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ એસસી.-એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. ઠાકુર ચલાવી રહ્યા છે.

ર૧ સદીમાં પણ આભડછેટના આ બનાવથી ચકચાર મચી જવા પામી હતી.

(1:03 pm IST)