Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

ભરતનગરના ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસવાનો પ્રશ્ન તાત્કાલીક ઉકેલવા તાકીદ કરતાં રાજ્યમંત્રી મેરજા

ખેડૂતોએ રજૂઆત કરતાં મંત્રી મેરજાએ અધિકારીઓને સ્થળ પર બોલાવી પ્રશ્નના નિરાકરણ માટે કડક તાકીદ કરી : નુકશાન વળતર માટે કમિટી બનાવી

મોરબીના ભરતનગર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમ વેળાએ સ્થાનિક ખેડૂતોએ ખેતરમાં ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડની પાણીની પાઇપ લીકેજ થવાના કારણે ખેતરમાં પાણી ભરાઇ જતાં ઊભા પાકને નુકસાન થતું હોવાની રાજ્યમંત્રીને રજૂઆત કરતા રાજ્યમંત્રી મેરજાએ આ પ્રશ્નનો તાત્કાલીક ઉકેલ લાવવા ગુજરાત વોટર સપ્લાય ઇન્ડ. લી. તેમજ વહિવટી તંત્રના અધિકારીઓને સ્થળ પર બોલાવીને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં ખેતરમાં પાણીની પાઇપ લાઇન લીકેજ બાબતના પ્રશ્નનું નિરાકરણ લાવવા તાકીદ કરી હતી.

મોરબી તાલુકાના ભરતનગર ગામના ખેડૂતોના ખેતરમાં પાણીની પાઇપલાઇન તુટી ગયેલ હોવાથી પાક નુકશાની બાબતે આજે સ્થાનિક આગેવાન નવીનભાઇ ફેફર, વિઠ્ઠલભાઇ પાંચોટીયા અને તાલુકા પંચાયતના સદસ્ય હર્ષદભાઇ સહિતના ખેડૂતોએ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમમાં આવેલા રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સમક્ષ રોષભેર રજુઆત કરી ગુજરાત વોટર સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડના અધિકારીઓની મનમાની અને દાદાગીરી મામલે રજુઆત કરતા રાજ્યમંત્રીએ તાકીદે સ્થળ ઉપર જ અધિકારીઓને બોલાવી પ્રશ્ન ઉકેલવા તાકીદ કરી હતી ઉપરાંત ખેડૂતોની કમિટિ બનાવવા અને ખેડૂતોને થયેલ નુકસાન અને વળતર અંગેનો રિપોર્ટ અધિકારીઓને સુપરત કરવા પણ મંત્રીએ સુચના આપી હતી.
આ ઉપરાંત મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ભરતનગર અને લક્ષ્મીનગરના મહેસુલી દફતર અલગ કરવા, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટરની કાયમી નિમણૂક કરવા, નેશનલ હાઇવેની ડ્રેનેજની ચોકઅપ બાબતના પ્રશ્ન અને સાદુળકા ગામના ૬૬ કે.વી. વીજ સ્ટેશન ઝડપથી ચાલુ થાય તે બાબતે સંબંધિત અધિકારીઓને સ્થળ પર સુચના આપી કામગીરી વેગવંતી બનાવવા તાકીદ કરી હતી.
આ તકે તાલુકા વિકાસ અધિકારી દીપાબેન કોટક, મામલતદાર જી.એચ. રૂપાપરા સહિતના અધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરિયા, કારોબારી ચેરમેન હિરાભાઇ ટમારીયા, અગ્રણી અરવિંદભાઇ વાંસદડીયા સહિત પંચાયતના સદસ્યો અને ખેડૂત આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:37 am IST)