Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

રઘુ શર્માના હસ્તે કોંગ્રેસ દ્વારા આઇસીયુ વાન અને મોબાઇલ કિલનીકનું લોકાર્પણ

કોરોનાની ત્રીજી વેવ સામે ગુજરાત રાહત સમિતિ દ્વારા ગુજરાતીઓ માટે સેવાયજ્ઞ : અંતરિયાળ વિસ્તારના ગંભીર દર્દીઓને હોસ્પિટલે નિઃશુલ્ક પહોંચાડાશે : ગરીબ વિસ્તારોમાં સારવાર - નિદાનની નિઃશુલ્ક સુવિધા : અર્જુનભાઇ મોઢવાડિયા જગદીશ ઠાકોર - સુખરામ રાઠવા સહિતનાની ઉપસ્થિતિ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૨૮ : કોરોનાની ત્રીજી લહેર પોતાનો કાળો કહેર વર્તાવી રહી છે ત્યારે બીજી લહેરમાં જે રીતે લોકો સારવાર અને તબીબી સાધનોના અભાવે મોતને ભેટયા હતા તેવી પરિસ્થિતિથી બચાવવા માટે ગુજરાત કોંગ્રેસ આગળ આવી છે અને ત્રણ આઇ.સી. યુ વાન અને ત્રણ મોબાઇલ કિલનીકની સુવિધા ઉપલબ્ધ કરાવાઇ છે જે આજે ૨૮ જાન્યુઆરીના ગુજરાતીઓ ગુજરાત રાહત સમિતિ દ્વારા અર્પણ કરાયું હતું.

ગુજરાત રાહત સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ત્રીજા વેવનો સામનો કરવા તથા કાયમી ધોરણે ત્રણ ઇન્દિરા ગાંધી આઈ.સી.યુ. ઓન વ્હીલ (એમ્બ્યુલન્સ વાન) તથા ત્રણ ઇન્દિરા ગાંધી મોબાઇલ કિલનીક (મોબાઇલ દવાખાનું)ની લોકાર્પણ વિધિ શુક્રવારે ઇન્દિરા ગાંધી આઇ.સી. યુ. ઓન વ્હીલ (એમ્બ્યુલન્સ વાન) તથા ઇન્દિરા ગાંધી મોબાઇલ કિલનીક (મોબાઇલ દવાખાનું)ની લોકાર્પણ વિધિ રાજસ્થાન સરકારના સફળ પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી ડો. રઘુ શર્માના હસ્તે યોજાયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ જગદીશભાઇ ઠાકોર અને વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામભાઇ રાઠવા કાર્યક્રમનાં મુખ્ય અતિથિ પદે રહ્યા હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

ગુજરાત રાહત સમિતિની અનેરી સેવા

પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને ગુજરાત રાહત સમિતિના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓને કારણે પીડિત ભાઇ-બહેનોને મદદ કરવાનાં ઉદ્દેશ્યથી ગુજરાત રાહત સમિતિની સ્થાપના સાર્વજનિક ટ્રસ્ટ એકટ હેઠળ ૧૯૮૩માં થઇ હતી. ૧૯૮૬-૮૭-૮૮ના રાજય વ્યાપી દુષ્કાળ વખતે રાજયનાં પશુધનને બચાવવા માટે ગુજરાતમાં જુદા જુદા સ્થળોએ ૧૩૦ જેટલા કેટલ કેમ્પ ચલાવીને અંદાજે સવા લાખ અબોલ પશુઓ(મહદ્ અંશે ગાયોને) નિભાવીને બચાવવાનું એતિહાસિક કાર્ય કર્યું હતુ. આ ઉપરાંત હરિયાણાથી ઘાસની ટ્રેનો મંગાવીને પશુપાલકોને વિતરણ કર્યું. વખતોવખત દુષ્કાળ, પૂર, ધરતીકંપ, વાવાઝોડા સમયે અનેક સેવાકીય પ્રકલ્પો હાથ ધરીને પ્રજાની પડખે રહેવાનું કામ ટ્રસ્ટે કર્યું છે.

અનેક મહાનુભાવોએ આપી સેવા

ગુજરાત રાહત સમિતિના ટ્રસ્ટી તરીકે અહમદભાઇ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, મહંત વિજયદાસજી, પ્રબોધભાઇ રાવલ, સી.ડી.પટેલ જેવા દિવંગત મહાનુભાવોએ સેવા આપી છે.

છેવાડાના વિસ્તારમાં દર્દીઓ માટે બનશે ઉપયોગી

ગુજરાત રાહત સમિતિના ધ્યેય હાંસલ કરવા માટે સંસ્થાએ ફોર્સ મોટર કંપનીની કુલ છ આઈ.સી. યુ. વાન ખરીદીને તેમાંથી ત્રણ ઇન્દિરા ગાંધી આઇ. સી. યુ. ઓન વ્હીલ્સ બનાવ્યા છે જેનું લોકાર્પણ આજે થવાનું છે તે અંતરિયાળ વિસ્તારોમાં ગંભીર દર્દીઓને હોસ્પિટલ સુધી આઇ.સી.યુ. હેઠળ સારવાર ચાલુ રાખીને ઝડપથી મુખ્ય હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કરશે. જયારે બીજી ત્રણ ઇન્દિરા ગાંધી મોબાઇલ કિલનીક બનાવવામાં આવેલ છે. આ મોબાઇલ કિલનીક ગરીબ વિસ્તારમાં શેરી-મહોલ્લા-અંતરિયાળ ગામોમાં જઇને દર્દીઓને તેઓના ઘરની નજીક જઇને- તપાસીને સારવાર આપશે તથા સ્વાસ્થ્ય સંભાળની જાગૃતિ લાવશે. 'હેલ્થકેર એટ યોર ડોર સ્ટેપ'ના વિચાર સાથે આ સેવાઓ શરૂ કરી છે જેનો ગરવા ગુજરાતીઓને લાભ મળશે. સ્થાનિક કક્ષાએ આ સુવિધા કોંગ્રેસ દ્વારા ઉપલબ્ધ કરાવાઇ હોવાથી લોકોએ પણ કોંગ્રેસની કામગીરીને બીરદાવી છે.

પોરબંદરને સુવિધા મળે તેવી શકયતા

પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયાનું વતન પોરબંદર આરોગ્ય ક્ષેત્રે ઘણી બધી સુવિધાઓ ઝંખે છે તેથી પોરબંદરને આ આઇ.સી.યુ.વાનની સુવિધા ઉપલબ્ધ થાય તેવી શકયતા જણાઇ રહી છે. કારણકે પોરબંદરમાં શહેર ઉપરાંત અંતરિયાળ વાડી વિસ્તારમાં વસતા લોકોને સમયસર આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થતી નથી ત્યારે તેઓ હેરાન પરેશાન થઇ જાય છે તેથી પોરબંદરને આ સુવિધા મળે તો તે આશીર્વાદરૂપ બની જશે.

(10:08 am IST)