Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

સાંસદને ગામમાં જવું હોય તો પણ સરપંચ સાથે વાત કરવી પડે : સી,આર,પાટીલે સરપંચને સતાના સર્વોપરી લેખાવ્યા

ભુજમાં સી.આર.પાટીલની હાજરીમાં યોજાયેલા સરપંચ સંવાદમાં 435 સરપંચ હાજર રહ્યા

ભુજ : ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલે ભુજમાં ભાજપના કાર્યક્રમમાં હાજરી આપી હતી પેજકમિટીના પ્રમુખોને આઈ કાર્ડ વિતરણ કરવા સાથે સરપંચ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભુજમાં પાટીલે પ્રચાર કરી કાર્યકરોને ચૂંટણીમાં કામે લાગી જવા આહવાન કર્યું હતું. ભુજ એરપોર્ટ પર સી.આર.પાટીલના ભવ્ય સત્કાર બાદ રોડ શો યોજવામાં આવ્યો હતો. ઢોલ અને નગારાના તાલે પાટીલનું ભુજમાં સન્માન કરાયું હતું. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 182 સીટ મળે એ માટે 182 કમળથી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સરપંચ સાથે સવાદનો કાર્યક્રમ હોવાથી સ્ટેજ પણ ગ્રામ્ય થીમ પર ડેકોરેટ કરાયું હતું.

સી.આર.પાટીલની  હાજરીમાં યોજાયેલા સરપંચ સંવાદમાં 435 સરપંચ હાજર રહ્યા હતા. પાટીલે સરપંચને સતાના સર્વોપરી લેખાવ્યા હતા,સાંસદને ગામમાં જવું હોય તો પણ સરપંચ  સાથે વાત કરવી પડે તેવું જણાવી સરપંચોને ભાજપ  સરકારની યોજના લોકો સુધી મહત્તમ પહોંચાડવા જણાવ્યું હતું. ચૂંટણીમાં સરપંચ મહત્વનું યોગદાન આપશે. ભાજપ દ્વારા પેજ કમિટી અભિયાન શરૂ કરાયું છે. જેમાં જિલ્લામાં 1651 બુથ પર 1400 બુથમાં પેજકમિટીની  કામગીરી પૂર્ણ થઈ છે. 1.45 લાખ પેજ કમિટીના સભ્યો પૈકી 70 હજાર કાર્યકર્તાઓને આઈ કાર્ડ આપવામાં આવશે. વિધાનસભા દીઠ પ્રતીક કાર્ડ અપાયા હતા. પ્રથમ કાર્ડ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલને, બીજું કાર્ડ પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડાને અપાયું હતું.

(12:08 am IST)