Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

શનીવારે ગાંધી નિર્વાણ-શહિદ દિન : ચોટીલામાં ઝવેરચંદ મેઘાણીના ગીતો ગુંજશે

'ઘાયલ મરતા મરતા રે, માતની આઝાદી ગાવે' સ્વરાંજલી - મૌનાંજલી કાર્યક્રમ : ઓનલાઇન પ્રસારણ

રાજકોટ તા. ૨૮ : ૩૦ જાન્યુઆરી ૨૦૨૧ – ગાંધી નિર્વાણ દિન – શહીદ દિન નિમિત્તે, સતત ૧૧માં વર્ષે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ 'મેઘાણી@૧૨૫' અંતર્ગત એમની જન્મભૂમિ ચોટીલા ખાતે 'ઘાયલ મરતાં મરતાં રે, માતની આઝાદી ગાવે' સ્વરાંજલિ-મૌનાંજલિનો કાર્યક્રમ યોજાશે. નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ પ્રેરક આયોજન કરવામાં આવ્યું છે.  

સવારે ૧૦.૦૦ કલાકે ઝવેરચંદ મેઘાણીનાં ઐતિહાસિક જન્મસ્થળ ખાતે ભાવાંજલિ અર્પણ થશે. ત્યાર બાદ સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ સુધી એન. એન. શાહ સ્કૂલ (મનહર પાર્કથી આગળ) ખાતે શહીદોને સ્વરાંજલિ-મૌનાંજલિનાં કાર્યક્ર્મનું ઈન્ટરનેટ પરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે : www.eevents.tv/meghani. ખ્યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ સાથે રાધાબેન વ્યાસ અને નીલેશ પંડ્યા ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય, દેશપ્રેમ અને ગાંધી ગીતો થકી સ્વરાંજલિ અર્પણ કરશે. 'કસુંબીનો રંગ, રકત ટપકતી સો સો ઝોળી, શિવાજીનું હાલરડું, હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, ઝંડા અજર અમર રે'જે, તારા નામમાં ઓ સ્વતંત્રતા, છેલ્લો કટોરો ઝેરનો, સૂના સમદરની પાળે, ઓતરાદા વાયરા ઊઠો ઊઠો, ચારણ-કન્યા જેવાં આજે પણ લોકહૈયે ગુંજતા અમર મેઘાણી-ગીતો રજૂ થશે. વાદ્ય-વૃંદ હિતેશ પરમાર (તબલા), ગૌતમ પરમાર (ઢોલક), હેમુ પરમાર (બેન્જો), કુલદીપ વાઘેલા (મંજીરા) સાથ આપશે. સવારે ૧૧ કલાકે સાયરન વાગતા જ શહીદોને મૌનાંજલિ અર્પણ થશે. વધુ વિગત માટે પિનાકી મેઘાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯), કિરીટસિંહ રહેવર - મામા (મો. ૯૯૭૮૧ ૭૦૯૩૪, ૯૪૨૬૯ ૭૨૧૭૮)નો સંપર્ક કરી શકાશે.

સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીનાં વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. તેમણે રચેલાં શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોની જાદુઈ અસર હેઠળ દેશવાસીઓ જોમ અને જુસ્સાથી સ્વાતંત્ર્ય-સંગ્રામમાં સામેલ થઈ ગયા હતા. ગામેગામ અને ઘેરઘેર આ ગીતો સહુ કોઈના કંઠે ગવાતાં અને ઝીલાતાં હતાં. પ્રભાતફેરીઓ, સભાઓ, સરઘસો દ્વારા આ ગીતોએ ખાસ કરીને નવયુવાનોમાં વ્યાપક નવચેતના ફેલાવી હતી. આ ગીતો ગાંતા ગાતાં સત્યાગ્રહીઓએ લાઠીઓ અને ગોળીઓ ઝીલી હતી, કારાવાસની સજા હસતે મોંએ સ્વીકારી હતી. તેમનાં આ ગીતોથી પ્રચંડ લોકજુવાળ ઊભો થતા બ્રિટીશ સરકાર ગભરાઈ ગઈ હતી. તેઓને કારાવાસની સજા પણ થયેલી.

૧૯૩૧માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ઈંગ્લેન્ડ જઈ રહેલા મહાત્મા ગાંધી ખૂબ વ્યથિત અને ચિંતિત હતા. તેઓ જાણતા હતા કે દેશની સ્વતંત્રતાનો પ્રસ્તાવ બ્રિટિશ સરકાર નહિ સ્વીકારે. ઊલટાના અપમાનના કડવા ઘૂંટ પીવા પડશે. ગાંધીજીની આ મનોવ્યથાનું સચોટ નિરૂપણ કરીને તેમને સંબોધતું કાવ્ય 'છેલ્લો કટોરો ' ઝવેરચંદ મેઘાણીએ ૨૭ ઓગસ્ટે રાણપુરમાં લખ્યું અને ઊપડતી સ્ટીમરે તે ગાંધીજીને પહોંચાડ્યું. વાંચીને મહાત્મા-મુખેથી ઉદ્ગાર સરી પડ્યો : 'મારી હાલની સ્થિતિનું આમાં સચોટ વર્ણન છે.' અને 'રાષ્ટ્રીય શાયર'નું ગૌરવભર્યું બિરુદ ગાંધીજી પાસેથી પામ્યા. ગાંધીજી હતાશ હૈયે ગોળમેજી પરિષદમાંથી પાછા વળતા હતા તે અરસામાં 'માતા !  તારો બેટડો આવે : આશાહીન એકલો આવે' કાવ્ય પણ રચ્યું હતું. ઝવેરચંદ મેઘાણી વિનમ્રભાવે કહેતા  : મને રાષ્ટ્રીય શાયરનું બિરૂદ મળેલ છે. વસ્તુતઃ એ પદવી નથી, પણ હુલામણું નામ છે. નજવાનો જે ગીતોને પોતાનાં કરીને લલકારે, તે ગીતોના રચનારાને કયા બિરૂદની તૃષ્ણા રહે ?'

(11:41 am IST)
  • ખેડૂત આંદોલનકારીઓના કબજામાંથી હાઈવે ખુલ્લા કરાવવાનું શરૂ : યુપી પોલીસે પ્રથમ હાઈવે ખોલાવી નાખ્યો : ૪૦ દિવસથી બ્લોક કરવામાં આવેલ દિલ્હી-સહરાનપુર હાઈવે આજે ઉત્તર પ્રદેશ પોલીસે કિલયર કરાવી નાખ્યાનું જાણવા મળે છેઃ આમ ખેડૂત આંદોલનકારીઓ ઉપર આકરા પગલાં ભરવાનું શરૂ થઈ ગયું છે અને શુ પ્રથમ આજે ઉત્તર પ્રદેશની યોગી પોલીસે રોડ કિલયર કરાવ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે access_time 11:26 am IST

  • સમરસ કોવિડ સેન્ટર બંધ કરવાનો કલેકટરનો નિર્ણય : કોરોના કેસોની સંખ્યામાં ઘટાડો થતા રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને સમરસ કોવિડ કેર સેન્ટર બંધ કરવાનો નિર્ણય લીધો access_time 11:25 am IST

  • કેરળમાં આજે સવારે ૨૪ કલાકમાં ૫૬૦૦ નવા કેસ નોંધાયા છે, જ્યારે મહારાષ્ટ્રમાં એકવીસસો નવા કેસ નોંધાયા છે જેમાં મુંબઈમાં ૪૩૪ કોરોના કેસ થયા છે: ગુજરાત દેશભરમાં સાતમા નંબરે, માત્ર ૩૫૩ કોરોના થયા છે: પશ્ચિમ બંગાળમાં પણ નજીવા ૨૩૪ કેસ: દેશભરમાં સર્વત્ર કોરોના કેસમાં એકધારો ઘટાડો નોંધાતો જાય છે: સૌથી ઓછા પુડુચેરીમાં ૨૪ અને હિમાચલમાં ૩૯ કોરોના કેસ આજે સવાર સુધીમાં નોંધાયા છે access_time 11:22 am IST