Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

સાયકલ ચલાવો...તંદુરસ્તી મેળવો...રોગ ભગાવો

ગોંડલના પ્રતિષ્ઠિત મનીષ ઝાટકીયાની એમ્સ્ટરડેમની સંસ્થા દ્વારા બાયસીકલ મેયર ફોર ગોંડલ તરીકે નિમણુંક

મનીષ ઝાટકીયા ગોંડલમાં રપ૦ મેમ્બરોની સાયકલ કલબ ચલાવે છે હવે વધુ જોમથી સાયકલીંગ માટે જાગૃતતા લાવશે

રાજકોટ તા. ર૮ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોંચ કરવામાં આવેલ ફીટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત ચાલુ મહીનાને સાયકલીંગ મન્થ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. સાયકલીંગ અવેરનેસ અને તેને પ્રમોટ કરવા માટે એમ્સ્ટરડેમ સ્થિત સોશ્યલ એન્ટરપ્રાઇઝ દ્વારા ગોંડલના મનીષ ઝાટકીયાને બાયસીકલ મેયર ફોર ગોંડલ તરીકે નિમણુંક આપવામાં આવી છે. દેશમાં કુલ આવા ૩૭ મેયરોની નિમણુંક કરવામાં આવી છે જેમાં ગોંડલના મનીષભાઇનું નામ પસંદ થતાં ગૌરવની વાત ગણાય.

ગોંડલમાં પરમ પ્રિન્ટર્સ એન્ડ પબ્લીકેશન ધરાવતાં મનીષ ઝાટકીયાએ જણાવ્યું છે કે ગોંડલમાં અમારી સાયકલ ચલાવતાં સાયકલ વીરોની એક કલબ ચાલે છે. જેમાં કુલ રપ૦ મેમ્બસ છે અને તેઓ રોજ સાયકલીંગ કરે છે અને દૈનિક રર કિલો મીટર સાયકલ ચલાવે છે. રવિવારે આ કલબના સભ્યો પ૦ કિલો મીટર જેટલું સાયકલીંગ કરે છે. બે વર્ષ પહેલાં તેમણે આ કલબ સ્થાપી હતી. અને હવે તેમને નવી જવાબદારી મળતાં તેઓ કલબમાં વધુને વધુ સભ્યો જોડવા માંગે છે. તેમને ગોંડલના જ ડો. દિપક લંગારીયા અને હિતેશ દવેનો ભરપુર સહયોગ મળી રહ્યો છે. તેઓ રાજકોટના દિવ્યેશ અઘેરાનું પણ સતત માર્ગદર્શન લઇ રહ્યા છે.

મનીષ ઝાટકીયા જણાવે છે કે વિદેશી સંસ્થા દ્વારા જામનગરમાં ડો. તન્ના, રાજકોટમાં દિવ્યેશ અઘેરા અને ગોંડલમાં મારી નિમણુંક બાયસીકલ મેયર તરીકે કરવામાં આવી છે. તેઓ વધુમાં જણાવે છે કે સાયકલીંગ કરવાથી અનેકવિધ ફાયદાઓ થાય છે. સાયકલ ફેરવવા લોકોમાં જાગૃતતા આવે એ માટે અમે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. દૈનિક સાયકલ ફેરવવાના અનેકવિધ ફાયદા છે. તંદુરસ્તી સારી રહે છે, ડીપ્રેશન દૂર થાય છે, પર્યાવરણને ફાયદો થાય છે તથા શરીર ફીટ રહે છે. તેઓ લોકોને આગ્રહ કરે છે કે કામકાજના સ્થળે લોકોએ સાયકલ ઉપર જ જવું જોઇએ. મનીષ ઝાટકીયાની ગોંડલ માટે બાયસીકલ મેયર તરીકે નિમણુંક થતાં તેમના ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહયો છે. મનીષ ઝાટકીયાએ અત્યાર સુધીમાં સાયકલની અનેક સ્પર્ધાઓમાં ભાગ લઇ પોતાની તંદુરસ્તી અને જોમનું પ્રદર્શન કર્યુ છે.

(3:30 pm IST)