Gujarati News

Gujarati News

News of Tuesday, 28th January 2020

બોગસ લેટરપેડ, બોગસ ડીગ્રી સાથે ઝડપાયેલા આદિપુરના મુન્નાભાઇ એમબીબીએસ બે દિ'ના પોલીસ રિમાન્ડ

આદિપુરમાં પ્રેકિટસ કરતો મહેસાણાનો બોગસ તબીબ વલસાડના તબીબના નામે દવાઓ લખતો હતો, બે કમ્પાઉન્ડરો સાથે ધીકતી પ્રેકિટસ

ભુજ તા. ૨૮ : પૂર્વ કચ્છ એસઓજીએ આદિપુરમાં કેસરી કિલનિક ચલાવતાં ઝડપેલા બોગસ તબીબના કેસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. મૂળ મહેસાણાનો એવો રાજુ અમૃત પટેલ ખુલ્લેઆમ બોગસ તબીબી ડીગ્રી સાથે આદિપુર જેવા શિક્ષિત શહેરમાં પોતાનું કિલનિક ચલાવતો હતો.

આ તબીબની ડીગ્રી ઉપર શંકા જતાં વેરાવળના ચેતનસિંહ પ્રવિણસિંહ જાડેજાએ પોલીસને લેખિત આધારપુરાવાઓ સાથે ફરિયાદ કરી હતી. દરોડા બાદ બે દિવસના પોલીસ રિમાન્ડ દરમ્યાન રાજુ પટેલ ઉર્ફે મુન્નાભાઈ એમબીબીએસ પાસેથી રૂ. ૧ લાખ ૩૧ હજારની ૮૮ અલગ અલગ દવાઓ, બે ટ્રસ્ટના પ્રમાણપત્ર, મેડિકલ કાઉન્સિલનું બોગસ પ્રમાણપત્ર મળી આવ્યું હતું.

બે કમ્પાઉન્ડરો સાથે કેસરી કિલનિક ચલાવતો રાજુ અમૃત પટેલ વલસાડના તબીબ ડો. રાજેશ ઘનસાણી ના નામના લેટરપેડ ઉપર સહી સિક્કા કરી દર્દીઓને દવાઓ લખી આપતો હતો. પોલીસે આ અંગે વધુ ઊંડી તપાસ હાથ ધરી છે.

(11:41 am IST)