Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જેતપુરમાં પોલીસ દ્વારા જુદા-જુદા સ્થળે દરોડાઃ ર.રર લાખના મુદામાલ સાથે ૪ ઝડપાયા

 જુનાગઢ, તા., ર૭:  શહેર તેમજ તાલુકા પોલીસે દારૂ અંગેની રેડો જુદા જુદા વિસ્તારોમાં કરતા કુલ ૩ રેઇડ દરમ્યાન ૩૩ બોટલ ઇંગ્લીશ દારૂ અને ૯૦૦ લીટર દેશી દારૂ સાથે ૪ શખ્સો ઝડપાયા જયારે દેશી દારૂ ભરેલી કારનો ચાલક કાર રેઢી મુકી નાસી છુટયો.

પ્રાપ્ત વિગત અનુસાર તાલુકા પીએસઆઇ જે.વી.વાઢીયાના માર્ગદર્શન હેઠળ ભુરાભાઇ માલીવાડ, ધર્મેન્દ્રભાઇ ચાવડા સહીતના ચોકીવાર પાસે ચેક પોસ્ટ ઉપર પેટ્રોલીંગમાં હતા ત્યારે જુનાગઢ તરફથી આવતા બે એકટીવા મો.સા.ને શંકાના આધારે રોકી તલાશી લેતા તેમાંથી કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૩ મળી આવતા પોલીસે કિસન મનસુખભાઇ દેસાઇ (રહે. જોષીપરા જુનાગઢ) મૌલીક અશોકભાઇ રાજપુત (રહે. સરદારબાગ, જુનાગઢ) પ્રિયંક વિમલભાઇ સોલંકી કંસારા (રહે. તળાવ દરવાજા, જુનાગઢ) ત્રણેને એકટીવા મોટરસાયકલ નં. જી.જે. ૧૧ બીસી ૬ર૭૧ તેમજ જીજે ૧૧ એએચ ૬૮૦૭ બંન્ને કિ. રૂ. ૪૦,૦૦૦ તેમજ દારૂની બોટલ નં. ર૩ કિ. રૂ. ૬,૯૦૦ મળી કુલ રૂ. ૪૬,૯૦૦ના મુદામાલ સાથે પકડી પાડી આ દારૂ કોને આપવા જતા હતા. તે અંગે પુછપરછ કરતા તેમણે જેતલસર ગામે રહેતો ભાવીન જેઠાભાઇ ઠુંમરને આપવાનો હોવાનું જણાવતા તાલુકા પોલીસે ચારે વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

અન્ય રેડમાં જેતલસર ગામની ચોકડી પાસે પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે જુનાગઢ તરફથી આવતી સફેદ કલરની વર્ના કાર નં. જીજે ૧૧-એસ-૪૮૭૯ વાળીને શંકાના આધારે રોકવાની કોશીષ કરતા ચાલકે કાર રેઢી મુકી નાસી છુટેલ. પોલીસે ત્યાં જઇ કારની તલાશી લેતા તેમાંથી ૯૦૦ લીટર દેશી દારૂ કિ. રૂ. ૧૮,૦૦૦નો મળી આવતા રેઢી મળેલ વર્ના કાર કિ. રૂ. ૧ લાખ તેમજ દેશી દારૂ મળી ૧.૧૮ લાખનો મુદામાલ કબજે કરી કાર અંગે તપાસ કરતા સમીર અરબ રહે. દાતાર રોડ જુનાગઢ તેમજ હરસુખ ઉર્ફે દાસ રહે. જેતપુર આ દેશી દારૂમાં સંડોવાયેલ હોવાનું માલુમ પડતા તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી તેને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ. આ રેડમાં પીએસઆઇ જે.વી.વાઢીયા, બુરાભાઇ માલીવાડ, દેવજીભાઇ રામશીયા, રાજુભાઇ શામળા, દિનેશભાઇ, જગદીશભાઇ જોડાયા હતા.

ત્રીજી રેડમાં શહેર પોલીસ ડી. સ્ટાફના ડી. કે. ડાંગર, ધમભા જેઠવા, ભાવેશભાઇ, ચેતનભાઇ લખુભાઇ, દિવ્યેશભાઇ સુવા સહિતના પેટ્રોલીંગમાં નીકળેલ ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે દેસાઇ વાડી વિસ્તાર અવેડા પાસેથી પસાર થતા એકટીવા મો. આ. નંબર જીજે-૩ કે. બી. ૭પર૭ ના ચાલકને રોકી તલાસી લેતા ડેકીમાંથી ઇંગ્લીશ દારૂની  બોટલ મળી આવતા પોલીસે બાઇક ચાલક મુનો મધુસુદનભાઇ (રહે. દેસાઇવાડી) ને પકડી દારૂ અંગે વધુ પુછપરછ કરતા દારૂ તેમણે મારૂતી ઝેન કારમાં રાખેલ હોય પોલીસે એકટીવા મો.સા. કિ. રૂ. રપ૦૦૦ તેમજ ઝેન કાર નં. જીજે-૩-કે. ૪૮૭૮ કિ. રૂ. ૩૦,૦૦૦ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૦, કિ. રૂ. ૩૦૦૦ કુલ મળી પ૮૦૦૦ ના મુદામાલ સાથે મુનાની ધરપકડ કરી આ દારૂ કયાંથી લાવેલ તે અંગે પુછપરછ કરતા જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો કનો રબારી પાસેથી લીધો હોવાનું કબુલ કરતા પોલીસે બન્ને વિરૂધ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ.

આમ ત્રણે રેડ દરમ્યાન કુલ ૪ શખ્સો ઇંગ્લીશ તેમજ દેશી દારૂના જથ્થા તેમજ મુદામાલ સહિત કુલ રૂ. ર.રર લાખનો મુદામાલ ઝડપી લેતા દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુરમાં આવજો દેશી અથવા ઇગ્લીશ દારૂ વધુ પડતો જુનાગઢ થી જ આવતો હોય અવાર નવાર પોલીસ પકડે પણ છે. છતાં નથી તો તે જુનાગઢ ના કે જેતપુરના દારૂના ધંધાર્થીઓ દારૂનો ધંધો બંધ  કરતા પોલીસ માત્ર દારૂનો જથ્થો પકડીને કાર્યવાહી પુર્ણ નહી કરતા તેમાં પકડાયેલ આરોપીઓને પણ ભવિષ્યમાં ફરી દારૂનો ધંધો ન કરે તેવી સજા કરાવે તેવી લોક માંગ ઉઠી છે.

(1:25 pm IST)