Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જામનગરમાં ગ્રાહક અધિકાર દિનની ઉજવણી

જામનગર : અહીયા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિનની ઉજવણી મંડળની ઓફીસ (ધણ શેરી) ખાતે કરાઇ હતી. જેમાં મંડળના મંત્રી કિશોરભાઇ પી. મજીઠીયા (મો. ૯૮ર૪ર પ૪૮૬ર) એ જણાવેલ કે, ગ્રાહકોએ કોઇપણ ચીજ વસ્તુ, દવા, ખરીદતા પહેલા ભેળસેળ, શુધ્ધતા અંગેની બાબતો ચકાસવા સાથે જ પાકુ બીલ, પહોંચ, રશીદ મેળવવી જરૂરી છે. જયારે એડવોકેટ સદેવંત મકવાણાએ જણાવેલ કે, પાકુ બીલ લીધેલ હોય અને છેતરપીંડી થયેલ હોય તેવા કિસ્સાઓમાં ગ્રાહકો જીલ્લા પુરવઠા અધિકારી (કલેકટર કચેરી), અથવા તો મદદનીશ, કાનુની માપ વિજ્ઞાન કચેરી (ગુલાબનગર સેવાસદન) માં છેતરપીંડીની ફરીયાદ કરી શકે છે. અથવા તો ગ્રાહક સુરક્ષા મંડળ (ધણ શેરી) માં પણ ફરીયાદ થઇ શકશે. એવી જ રીતે કો.ઓર્ડીનેટર મહેશભાઇ મહેતાએ કહયું હતું કે, ગ્રાહક સુરક્ષાની પ્રવૃતિઓ અંગે સંસ્થા દ્વારા અવાર નવાર ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ રોકવા માટે હોટેલ, રેસ્ટોરન્ટો, પેટ્રોલપંપો, ઓઇલ મીલ, મસાલા મીલ, ગેસ એજન્સીઓની તપાસ કરવા અનેક રજૂઆતો ઉચ્ચ અધિકારીને થતી રહે છે.  સાથેસાથે હસમુખભાઇગોહીલે જણાવ્યું હતું કે, ર૪ મી ડીસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક દિવસ ઉજવાય છે. પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરાવતા સમયે મીટરની ચકાસણી કરીને પાકુ બીલ લેવું ગેસ એજન્સીઓ દ્વારા ઘરે સીલીન્ડરની ડીલીવરી કરવામાં આવે ત્યારે પણ વજનની ચકાસણી કરી ગેસ સીલીન્ડર લેવાની અપીલ કરાઇ છે. અત્રે નોંધનીય છે કે, મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકારની દિવસે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે અંબર ટોકીઝ, શાક માર્કેટ, ગુરૂદ્વારા ચોકડી, ડી. કે. વી. કોલેજ, ખોડીયાર કોલોની, ગુલાબનગર, ખંભાળીયા ગેઇટ વિસ્તારમાં સભ્યો સદેવંત આર. મકવાણા, મહેશભાઇ મહેતા, જયેશભાઇ   મકવાણા, માજી ડે. મેયર સુરેશભાઇ આલરીયા, હસમુખભાઇ ગોહીલ, ભરતભાઇ મેતા, બીરજીભાઇ કનખરા, રાજુભાઇ રાડીયા, જીમીભાઇ ભરાડ, વોર્ડ નં. ૧૦ ના ભાજપ ઉપપ્રમુખ સાગરભાઇ રાઠોડ, કીશોરભાઇ પી. મજીઠીયા, દ્વારા ગ્રાહક જાગૃતિ અંગેની પત્રીકાઓનું પણ વિતરણ કરાયુ હતું. સાથે જ ટ્રાફીક શાખાના એએસઆઇ કાનજીભાઇ પનારા, પો. કોન્સ. ઇન્દુભા, પીએસઆઇ બી. એસ. ચાવડાએ ટ્રાફીક નિયમન, સલામતી વિશે માર્ગદર્શન પુરૂ પાડયું હતું. (તસ્વીર - અહેવાલ : મુકુન્દ બદિયાણી, જામનગર)

(12:15 pm IST)