Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

જુનાગઢ જિલ્લામાં મકર સંક્રાંત પર્વ નિમિતે ધારદાર વસ્તુથી માંઝા પાયેલા દોરાના વેચાણ - વપરાશ પર પ્રતિબંધ

જૂનાગઢ તા.૨૭ : ભારત સરકારશ્રીનાં વન અને પર્યાવરણ વિભાગની સુચનાઓનુસાર અને નામદાર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષની મુળ એપ્લીકેશન અન્વયે ૧૧ મી જુલાઇએ અપાયેલ ચુકાદા અન્વયે રાજય સરકારશ્રીએ વન અને પર્યાવરણ વિભાગનાં એન્વાયરમેન્ટ પ્રોટેકશન રૂલ્સ ૧૯૮૬નાં નિયામ-૪(પ)થી મળેલ અધીકારની રૂઇએ સમગ્ર રાજયમાં કાચ, ધાતુ કે અન્ય કોઇ ધારદાર વસ્તુની કરચ-ઝીણા ભુકાથી કોટેડ(આવરિત) નાયલોન, સિન્થેટીક અથવા તેના અન્ય કોઇ દોરા જેમાં ચાઇનીઝ માંઝા કે ચાઇનીઝ દોર તરીકે સામાન્યતઃ ઓળખાતા દોરાનો પણ સમાવેશ થાય છે, તેનાં વેંચાણ, ઉત્પાદન, સંગ્રહ, સપ્લાઇ તથા ઉપયોગ સંપુર્ણપણે પ્રતિબંધ ફરમાવેલ છે. અને તેનો ભંગ કરનાર ઉકત કાયદાની કલમ-૧૫ હેઠળ શિક્ષાને પાત્ર ઠરે છે. તેની વિગતો ધ્યાને લઇને જુનાગઢ જિલ્લાનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.વી.અંતાણીએ જૂનાગઢ જિલ્લાનાં મહાનગરપાલીકા, નગરપાલીકા અને ગ્રામ્ય વિસ્તારમાં કાચ, ધાતુ કે અન્ય કોઇ ધારદાર વસ્તુની કરચ-ઝીણા ભુકાથી કોટેડ(આવરિત) નાયલોન, સિન્થેટીક અથવા તેના અન્ય કોઇ દોરા જેમાં ચાઇનીઝ માંઝા કે ચાઇનીઝ દોર તરીકે સામાન્યતઃ ઓળખાતા દોરાનો વપરાશ ના થાય કે વેચાણ-વહન-સંગ્રણ ના થાય તે અંગે સંબંધકર્તા ઉત્પાદકો, વેચાણકર્તાઓ, સંગ્રહર્તા, સપ્લાયર વિગેરેને માહિતગાર થવા/કરવા અને ભંગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા લગત વિભાગનાં અધિકારીઓને સુચનાઓ જારી કરી છે.

જિલ્લાનાં વિદ્યાર્થીઓ કાચ, ધાતુ કે અન્ય કોઇ ધારદાર વસ્તુની કરચ-ઝીણા ભુકાથી કોટેડ(આવરિત) નાયલોન, સિન્થેટીક અથવા તેના અન્ય કોઇ દોરા જેમાં ચાઇનીઝ માંઝા કે ચાઇનીઝ દોર તરીકે સામાન્યતઃ ઓળખાતા દોરાઓનાં ઉપયોગથી પર્યાવરણ, પશુ-પક્ષી તથા માનવ જીવનને તેનાથી નુકશાન અને થતી હાની અંગે વિગતવાર માહીતગાર થાય અને તેનો ઉપયોગ ન કરે અને તેઓ આ બાબતથી અન્યને પણ માહિતગાર કરે તે અંગે જાગૃતિ લાવવા શૈક્ષણિક સંસ્થાઓને અનુરોધ કરેલ છે.

ઉતરાયણ/મકરસંક્રાંતિના પર્વ ઉપર વધારે પતંગો ચગાવતા હોય તે સમય દરમ્યાન વીજ અકસ્માતનાં બનાવો ના બને તે માટે જરૂરી તકેદારી રાખવા અને પુર્વાપાયનાં પગલા લેવા અને લોકોમાં આ બાબતોની જરૂરી જાગૃતિ લાવવા વીજતંત્રનાં અધીકારીઓને સુચનાઓ જારી કરવામાં આવી છે. ઘાયલ પક્ષીઓનાં સારવાર કેન્દ્રની વનતંત્રએ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવી તથા વન અને પર્યાવદણ વિભાગનાં ડાયરેકશન મુજબ કાયદાભંગનાં કિસ્સાઓ બનવા પામે તો તે માટેની ભંગ સબબની પગલાકીય કાર્યવાહી પોલીસતંત્રને કરવા જણાવાયુ છે.

(12:14 pm IST)