Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કુકાવાવમાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા રોષ

રસ્તા, પાણી, રાશનની વસ્તુઓ, સ્વચ્છતાના મુદે લોકોમાં નારાજગી

કુકાવાવ તા.ર૭ : પ્રજા જીવનને અકળાવતા પ્રશ્નોનો રોજબરોજ વધારો થઇ રહ્યો છે. જેમાં રસ્તા, મીઠુ પાણી, રાશન, સ્વચ્છતાના મુદા મુખ્યત્વે આવે છે. ભુગર્ભ ગટર યોજનાના લાખો રૂપિયાના ખર્ચ બાદ યોગ્ય જાળવણીના અભાવે લોકોને ફરજીયાત  બહાર ગટર કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા જઇ રહ્યુ છે. ભુગર્ભ ગટર બન્યા બાદ તેની સફાઇ લગભગ એક વર્ષથી થઇ નથી તેમ લોકો જણાવી રહ્યા છે.

ઘનશ્યામનગર જેવા વિસ્તારોમાં લોકો પોતાની જાતે કુંડી સાફ કરતા જોવા મળે છે. અમુક જગ્યામાં ઢાંકણામાંથી પાણી નીકળે છે તો કોઇક કુંડીનું ઢાંકણા તુટી ગયા છે. ખરાણાનું પાણી જે જગ્યાએ નીકળે છે. આ પ્રશ્નનો હલ થતો નથી.

જેમાં પાણીનો રોડ રસ્તા પર નિકાલ કરવો ફરજીયાત બની રહેવાની પુરી શકયતા વર્તાય રહી છે તો અમુક જગ્યામાં રસ્તા પર ખરાબાના પાણીનો નિકાલ થઇ રહ્યો છે.

ઘનશ્યામનગરનો પોલીસ સ્ટેશનવાળો મુખ્ય રસ્તો કયારે બને તેની રાહ જોઇ રહ્યા છે. લોકોમાં ચર્ચાઓ પણ ચાલે છે પરંતુ તેમ છતાં આજ સુધીમાં પાકો રોડ બનાવવામાં આવ્યો નથી.

પ્લોટ વાસીઓનો આક્ષેપ છે કે મુખ્ય રસ્તાને મહત્વ દેવામાં આવતુ નથી. નાની શેરીમાં આડા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. મીઠા પાણી માટે પણ લોકોમાં અસંતોષ જોવા મળે છે. જેમાં ઘનશ્યામનગરને પાંચ-સાત વર્ષથી મીઠુ નર્મદાનું જળ નસીબ નથી તે બાબતે કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. નગરજનો પ્રત્યે તંત્રનું ઓરમાયુ વર્તન ઘણુ કહે છે.

ચૂંટણી પહેલા આપવામાં આવેલ વચનોથી વિમુખતા કયા સુધી રહેશે ? જાહેર શૌચાલયોની પણ યોગ્ય સફાઇ ન થતી હોવાનુ લોકો, મુસાફરો જણાવે છે જેમાં સફાઇની યોગ્ય જાળવણીની પણ લોક માંગ જોવાઇ રહી છે.

સામાન્ય માણસના રાશનકાર્ડના મુદે અનેક સમસ્યા છે જેમાં ફીંગર પ્રિન્ટની સમાનતા ન હોવાથી ગરીબ-મજુરવર્ગને રૂ.પ૦ કે ૧૦૦નો ખર્ચ કરી વડીયા કચેરી ખાતે જવુ પડે છે. આખા દિવસનો સમય પણ વ્યર્થ થાય છે. સામાન્યજનના પ્રશ્ને હજુ સુધીમાં યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યુ નથી કયારેક તો લોકોને બે ધક્કા વડીયા ખાતે ફરજીયાત ખાવા પડે છે. કુકાવાવને તાલુકા પંચાયતમાં રર ગામ આપવામાં આવે તો મામલતદારશ્રી તરફથી રેશનકાર્ડ બાબતે કચેરી કુંકાવાવમાં શા માટે આપવામાં આવતી નથી ? તે બાબતે લોકો મગજ કસી રહ્યા છે તો રેશનકાર્ડમાં દુકાનદારો પણ પોતાના નિયમ બનાવી સમયસર જ માલ લેવા આવુ ત્યારબાદ આવવુ જ નહી તેવુ દુકાનદારો કહે છે. કુંકાવાવનો છ કિ.મી.ના રસ્તાનો પ્રશ્ન છે હવે જોવુ રહે કે વિકાસ કઇ ગતિથી કામ કરશે ?

(12:12 pm IST)