Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

મગફળી ખરીદ કેન્દ્રો બંધ કરાતા ઉપલેટામાં રોષ

કિશાન સભા દ્વારા દેખાવો-આવેદન

ઉપલેટા તા. ર૭ : ચૂંટણીઓ પુરી થતા અને ભાજપની બહુમતી બેઠકો આવી જતાની સાથેજ ગુજરાતના મોટાભાગના મગફળી ખરીદ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે રાજકોટ જીલ્લામાં ઉપલેટા સહીતના મગફળી ખરીદ કેન્દ્રો બંધ થઇ ગયા છે. આથી મગફળી ઉત્પાદક ખેડુતો નારાજ થયા છે. અને રોષે ભરાયા છે કપાસનો પાકવિમો આજ સુધી ચુકવવામાં આવ્યો નથી તેની પણ ખેડુતોમાં નારાજગી છે.

આજ રોજ ગુજરાત ખેડુ સંઘર્ષ સમિતિએ મગફળી ખરીદ કેન્દ્રો શરૂ કરોની માગણી માટે દેખાવો કરવાનું એલાન કરેલ તના ભાગરૂપે ઉપલેટા મુકામે ગુજરાત કિશાનસભાના નેતૃત્વમાં ખેડુતોએ ઉપલેટા મામતલદાર કચેરી સામે દેખાવો કરેલ અને ત્યારબાદ મામલતદારને આવેદન આપેલ હતું.

ગુજરાત કિશાનસભાના રાજય પ્રમુખ ડાયાભાઇ ગજેરાએ જણાવેલ કે ૬૦% થી વધુના ખેડુતો પાસે મગફળી ઘરમાં પડી છે. તેવા સમયે સરકારે મગફળી ખરીદ કેન્દ્ર બંધ કરી દીધા છે ખેડુતો સાથે ધોખાઘડી કરવામાં આવી છે ૩૧ માર્ચ સુધી મગફળી ખરીદવામાં આવશે તેવુ વચન આપનારી સરકાર પાણીમાં બેસી ગઇ છે ભાજપની સરકાર બની જતા મતલબ પુરો થઇ ગયો છે ડાયાભાઇ ગજેરાએ ભાર પૂર્વક જણાવેલ છે કે સરકારે કરેલા વાયદા પ્રમાણે ટેકાના ભાવથી મગફળીની ખરીદી કરવી જ પડશે ખેડુતોની મુશ્કેલીઓ નહી સમજે ખરીદી શરૂ નહી કરે તો રાજય વ્યાપી ખેડુત આંદોલન ચલાવવામાં આવશે.

ભાજપની શપથવિધિના જ દિવસે ગુજરાતમાં જુદી જુદી જગ્યાઓ ઉપર ખેડુતોએ દેખાવો કરેલ ઉપલેટા મગફળી ખરીદ કેન્દ્ર લખમણભાઇ પાનેરા, દિનેશભાઇ કંટારીયા, ચંદુભા, કે.ડી. સીણોજીયા સહીતના આગેવાનો અને ખેડુતો જોડાયા હતા. (તસ્વીર ભોલુ રાઠોડ ઉપલેટા)

(12:10 pm IST)