Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

કાલે પૂ.હરીરામબાપાની ત્રીજી પુણ્યતિથીઃ સૌરાષ્ટ્રમાં વિવિધ કાર્યક્રમો

ધુન,ભજન,કિર્તન,બટુકભોજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો

રાજકોટ તા.૨૭: પૂ.હરીરામબાપાની કાલે ત્રીજી પૂણ્યતિથી નિમિતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વિવિધ ધાર્મિક કાર્યકમોનુ આયોજન કરવામાં આવ્યુ છે.

જે અંતર્ગત ધુન,ભજન,કિર્તન,સુંદરકાંડ પાઠ, બટુકભોજન, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા છે.

આટકોટ

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ જસદણના છોટે જલારામ તરીકે ઓળખાતા પુ. હરીરામબાપાની ત્રિતીય પુણ્યતીથી નિમિતે અમરેલી ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાવામાં આવ્યું છે.

આવતીકાલે સવારથી યોજાનારા કાર્યક્રમમાં સવારે ૭ કલાકે નાગનાથ મંદિર પાસે હરીરામ બાપાની મુર્તિ મુકવામાં આવી છે. તેની સામુહિક પુજન વીધી અને પ્રસાદ વિતરણ બાદ સુંદરકાંડ, હનુમાન ચાલીસાના પાઠનું આયોજન રાખેલ છે. ત્યારબાદ રાત્રે ૭-૩૦ વાગ્યે લીલીયા રોડ ઉપર આવેલ ''હરીધામ'' ખાતે મહાપ્રસાદ અને રાત્રે ૮-૩૦ કલાકે નાગનાથ મંદિર ખાતે આવેલ ગણેશ હોલમાં ભરતભાઇ ઉપાધ્યાય (અમદાવાદ) અને તેમની ટીમ દ્વારા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે પુ. હરીરામ બાપાએ અમરેલી ખાતે દેહ છોડયો ત્યારબાદ ત્યાં નાના બસ સ્ટેન્ડ પાસે હરીરામ ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે ત્યાં પુ. હરીરામબાપાની તેલચિત્ર મુકવામાં આવ્યું છે જયાં રોજ સવારે બુંદી-ગાઠીયાનો પ્રસાદ આપવામાં આવે છે આ પ્રસાદ એક વર્ષ સુધી આપવાનો હતો પરંતુ સદ્દકાર્યોમાં બધાનો ખુબજ સહકાર મળતા આવતી કાલથી પ્રસાદ આજીવન ચાલુ કરવાનો નિર્ણય સંત શ્રી હરીરામ બાપા સેવા ટ્રસ્ટ દ્વારા લેવાયેલ છે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ટ્રસ્ટીઓએ યાદીમાં જણાવ્યું છે.

જસદણના જલારામ મંદિરે પણ કાલે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હનુમાન ચાલીસા મંડળ દ્વારા અખંડ હનુમાન ચાલીસાના પાઠ, સવારે પ્રભાત ફેરી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે પુ. બાપાના સેવકો દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે મહાપ્રસાદનું પણ આયોજન રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો લાભ લેવા અમરેલી અને જસદણના ટ્રસ્ટીઓએ યાદીમાં જણાવ્યું છે.

મોરબી

મોરબીઃ સંત શિરોમણી જલારામ બાપાના અવતાર સમા હરીરામ બાપાની પૂણ્યતિથી નિમિતે આગામી તા.૨૮-૧૨-૨૦૧૭ને ગુરૂવારના રોજ જલારામ પ્રાર્થના મંદીર ખાતે સાંજે ૫ થી ૭ બાપા સિતારામ ધૂન મંડળ દ્વારા ધૂન ભજન યોજાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ યોજાશે. તો ભકતજનોને પ્રસંગનો લાભ લેવા જલારામ મંદિરની યાદીમાં જણાવાયું છે.(૧.૫)

 

માણાવદરમાં જલારામ ચેરી. ટ્રસ્ટનાં કાર્યાલયનું ઉદ્ઘાટન

 માણાવદર : જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલયનું ઉદઘાટન ગૌસ્વામી પરાગકુમાર મહોદય શ્રી અને પ.પૂ.કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીનાં હસ્તે કરાર્યું હતું. કાર્યક્રમમાં શહેરનાં અનેક નગર શ્રેષ્ઠીઓ તથા બહારગામથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. ધર્મગુરૂઓ દ્વારા અનેક દાતાશ્રીઓનું સન્માન કરાર્યું હતું. રાજકોટનાં બોલબાલા ટ્રસ્ટ રાજકોટનાં પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાયે જલારામ ચેરીટેબલ ટ્રસ્ટનાં કાર્યને બિરદાવતા કહ્યું કે આ ટ્રસ્ટનું કાર્ય સરાહનિય છે. કાર્યક્રમમાં જુનાગઢનાં ગાયીકા પુજાબેન ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમની તસ્વીરો.

(12:09 pm IST)