Gujarati News

Gujarati News

News of Wednesday, 27th December 2017

ગોંડલ જામવાડી જુથ મંડળી મગફળીની ખરીદી બંધ કરશે

ગોંડલ તા. ૨૭ : ગોંડલ તાલુકાના જામવાડી જુથ મંડળીને સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીની મંજુરી અપાતા માત્ર ૧૬ દિવસમાં રૂ. ૧૪ કરોડની ખરીદી કરવામાં આવી હતી પરંતુ એ.પી.એમ.સી.ની હદમાં જ ખરીદી કરી શકાશે તેવો પરીપત્ર બહાર પાડતા જામવાડી જુથ દ્વારા ખરીદી બંધ કરવામાં આવેલ છે.

મંડળીના પ્રમુખ પ્રફુલભાઇ ટોળિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, એ.પી.એમ.સી.ની હદમાં જ જુથ મંડળી ટેકાના ભાવથી ખરીદી કરી શકશે તેવું જણાવતા જામવાડી જુથ મંડળીને ખરીદી બંધ કરવાની ફરજ પડી છે.

ગોંડલ માર્કેટ યાર્ડ તંત્ર દ્વારા જો જામવાડી જુથ મંડળીને ખરીદી કરવા જગ્યાની વ્યવસ્થા કરી આપવામાં આવે તો જામવાડી જુથ દ્વારા ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાશે તેવું પ્રમુખ પ્રફુલભાઇ ટોળીયાએ જણાવ્યું હતું. જામવાડી જુથ દ્વારા માત્ર ૧૬ દિવસમાં રૂ. ૧૪ કરોડની કિંમતની મગફળી ખરીદ કરી હોવાનું પણ અંતમાં જણાવ્યું હતું.

(11:17 am IST)