Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

કચ્છ જિલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ

ભુજ તા.૨૭ : અંજાર મધ્યે એપીએમસી હોલ ખાતે કચ્છ જીલ્લા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પક્ષના મોવડીઓએ અપેક્ષીત શ્રેણીના કાર્યકરો સાથે સંગઠનાત્મક બાબતો વિશે મનોમંથન કર્યુ હતુ અને વિવિધ વિષયો પર માર્ગદર્શન પણ પ્રદાન કરેલ હતુ. આ બેઠકમાં સંગઠન ક્ષેત્રે ઉતમ વ્યવસ્થાપનની સુગમતા અને સુદ્રઢતા માટે બહુસ્તરીય રણનીતિ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

પરંપરા અનુસાર સૌ પ્રથમ પ્રથમ સાંધીક ગીત, દિપપ્રાગટય અને રાષ્ટ્રગાન બાદ અધ્યક્ષીય ઉદબોધન કરતા કચ્છ જીલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલે પ્રદેશથી પધારેલા સર્વે અગ્રણીઓ તેમજ તમામ ઉપસ્થિતોને આવકાર્યા હતા તથા જણાવ્યુ હતુ કે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના પીઢ માર્ગદર્શન અને કાર્યકર્તાઓના સંઘબળના આધારે કચ્છ જીલ્લા ભાજપ અવિરતપણે સફળતાપુર્વક અને વિજયી રફતારથી આગળ વધી રહ્યુ છે અને આવનારા દિવસોમાં પણ ભાજપના કાર્યકરો આ વણથંભી યાત્રાને વધુ વેગવંતી બનાવશે.

ત્યારબાદ પ્રદેશના ઠરાવનુ વાંચન કરતા કચ્છ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ રાહુલભાઇ ગોરે જણાવ્યુ હતુ કે, જેટલી ઝડપથી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે કોરોના સામે વિજય મેળવીને સર્વાગી સંતુલન મેળવ્યુ છે. એટલુ ભારત વર્ષના ઇતિહાસમાં આજદિન સુધી કોઇ પણ મહામારી સામે આટલુ ત્વરીત રક્ષણ મળી શકયુ નથી આ સરકારે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપભેર ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ ફકત ૨૭૮ દિવસોમાં સંપન્ન કરીને સમગ્ર વિશ્વને દંગ કરી મુકયુ છે.

જીલ્લાના ઠરાવનું વાંચન કરતા કચ્છ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ જયંતભાઇ માધાપરીયાએ રાજય સરકારને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે રાજય સરકાર દ્વારા થોડા સમય અગાઉ કચ્છના કૃષિ વિકાસ માટે જીવાદોરી સમાન નર્મદાના નીરના વધારાના ૧ મિલીયન એકર ફીટ પાણીના પ્રસ્તાવનો સૈધ્ધાંતીક સ્વીકાર કરાતા તેમજ નર્મદા કેનાલની પરિપુર્ણતા આડે આવતા તમામ વિધ્નો ઝડપભેર ઉકેલવા કમર કસાતા હવે કચ્છવાસીઓનું વર્ષો જુનુ સ્વપ્ન સાકાર થાય એ દિવસો બહુ દુર નથી જણાતા.

પ્રભારી મંત્રી કિર્તીસિંહ વાઘેલાએ જણાવ્યુ હતુ કે દેશ નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે અને એક પછી એક સિમાચિહનો અંકીત કરતુ જાય છે ત્યારે ભાજપના એક હિસ્સા તરીકે આપણા સૌની મુખ્ય ફરજ બની રહે છે કે આપણે આ વિકાસયજ્ઞને સેવા અને પુરૂષાર્થરૂપી આહુતિઓ વડે પ્રજવલ્લીત રાખીએ.

પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતુ કે સંગઠનએ ભાજપનુ હૈયુ છે. જયારે કાર્યકર્તાએ કરોડરજજુ છે. ભાજપ ઉચ્ચ રાષ્ટ્રવાદી વિચારધારા પ્રેરીત રાજયકીય સંસ્થા છે. જેનો પ્રત્યેક કાર્યકર આ વિચારધારા અને વિકાસફળને અંત્યોદય સુધી લઇ જવામા કૃતનિશ્ચયી છે.

ત્યારબાદ કચ્છના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે કેન્દ્ર અને રાજયની સરકારો અવિરામપણે લોકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને માનવીય મુલ્યાનુસાર સમજીને અનેક લોક કલ્યાણની યોજનાઓ અમલમાં લાવી રહી છે. ત્યારે આવી પ્રત્યેક યોજનાઓ ધરાતલ સુધી સાર્થક થાય અને તેની ફલશ્રુતિ થકી લોકોના જીવનધોરણમાં અમુલ પરિવર્તન થાય એની જવાબદારી આપણા સૌને શિરે બની રહે છે.

પ્રભારી હિતેશભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ કે સંગઠનની જવાબદારીમાં કચ્છનો કાર્યકર પ્રદેશકક્ષાએ હંમેશા અગ્રેસર રહ્યો છે અને વખતોવખત મહત્વપુર્ણ જવાબદારીઓ સફળતાપુર્વક નિભાવી છે.

જીલ્લા ભાજપ મહામંત્રી અનિરૂધ્ધભાઇ દવેએ સર્વે ઉપસ્થિતોને પક્ષ દ્વારા આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમો વિશે વિસ્તારપુર્વક માહિતી આપી હતી જયારે અન્ય મહામંત્રી શિતલભાઇ શાહે જીલ્લાના તમામ ૧૭ મંડલોને તેમના મંડલમાં પ્રશિક્ષણ વર્ગ યોજવા અંગે પ્રદેશની માર્ગદર્શિકા અનુસાર જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. ગત કારોબારીથી આજદિન સુધીના ગાળામાં પક્ષે ગુમાવેલા અનેક દિવંગત કાર્યકરો અને તેમના સ્વજનોને શ્રધ્ધાંજલી અર્પણ કરતો શોક ઠરાવ જીલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઇ શાહે રજુ કર્યો હતો.

આ કારોબારી બેઠકમાં જી.પં. અધ્યક્ષા પારૂલબેન કારા, ધારાસભ્યશ્રીઓ વાસણભાઇ આહીર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અપેક્ષીત શ્રેણીના કાર્યકરો હાજર રહ્યા હતા. સમગ્ર બેઠકનુ સંચાલન જીલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઇ હુંબલે કર્યુ હતુ તેમજ આભારવિધિ અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઇ આહિરે કરી હતી.

અંજાર એપીએમસી હોલ મધ્યે યોજાયેલ કારોબારી બેઠકમાં આયોજન અને વ્યવસ્થામાં જીલ્લા ભાજપ મહામંત્રી વલ્લમભાઇ હુંબલનો સહયોગ સાંપડયો હતો તેમજ જીલ્લા ભાજપ મંત્રી વસંતભાઇ કોડરાણી, અંજાર શહેર ભાજપ પ્રમુખ હેમંતભાઇ શાહ, અંજાર તાલુકા ભાજપ મહામંત્રીઓ કાનજીભાઇ અહીર, ભુમીતભાઇ વાઢેર, અંજાર શહેર મહામંત્રીઓ અશ્વિનભાઇ સોરઠીયા, સંજયભાઇ દાવડા સહિત કાર્યકરો સહયોગી બન્યા હોવાનુ કચ્છ જીલ્લા ભાજપ મિડીયા ઇન્ચાર્જ સાત્વીદાન ગઢવીની યાદીમાં જણાવાયુ હતુ.

(10:34 am IST)