Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

સ્વ. સવજીભાઇ કોરાટના સંસ્કારોને જીવનમાં ઉતારી સત્કર્મોના સહભાગી બનીએ : કિરીટસિંહ રાણા

જેતપુર ખાતે સ્વ. સવજીભાઇ કોરાટની ૨૩મી પુણ્યતિથિ નિમિત્તે વન અને પર્યાવરણ મંત્રીની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકાર્યો યોજાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુરતા.૨૭ : જેતપુરના પનોતા પુત્ર અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. સવજીભાઈ કોરાટની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત રકતદાન કેમ્પ, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, વેકિસનેશન કેમ્પ, પશુ સારવાર કેમ્પ, જેવા અનેક સેવાકીય કાર્યક્રમો વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં યોજાયેલા

આ કાર્યક્રમોને સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા તેમજ યુવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ દીપ પ્રાગટ્ય કરીને વિવિધ સેવા કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે વ્યકિત કેટલું જીવ્યા એ મહત્ત્વનું નથી કેવું જીવ્યા એ અગત્યનું છે સ્વ. સવજીભાઈ કોરાટ હંમેશા લોકોના હૃદયમાં રહ્યા છે તેમની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના વિચારો અને સદભાવ સત્કર્મોનું કાર્ય આજે પણ જેતપુર પંથકમાં થતું રહે છે તે સવજીભાઈ કોરાટના કર્મનિષ્ઠ કાર્યો અને સંસ્કારની પ્રતીતિ કરાવે છે. આ અણીશુદ્ઘ પ્રમાણિક વિરલ સ્વ સવજીભાઈ કોરાટ ના કર્મનિષ્ઠ વિચારો અને સંસ્કાર સાથે ના -સત્કાર્યોને જીવન માં ઉતારી સેવા કાર્યોના સહભાગી બનીએ તેજ એમને સાચી શ્રદ્ઘાંજલિ અર્પી કહેવાશે.

આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધડુકે સવજીભાઈ કોરાટ એક આદર્શ રાજકીય લોકસેવક હતા. આજે તેમની ગેરહાજરીને ૨૩ વર્ષ થવા છતાં લોકોના હ્યદયમાં વસ્યા છે એમ જણાવ્યું હતું.

પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ સવજીભાઈ કોરાટને શ્રધ્ધાંજલી અર્પતા જણાવ્યું હતું કે એ જેતપુરના પનોતા પુત્ર હતા એમણે હંમેશા છેવાડાના માનવી સુધીની ચિંતા કરી લોકકલ્યાણ કર્યોને જીવન કાર્ય બનાવ્યા હતા.

આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથીરીયા એ કહ્યું કે સ્વ. સવજીભાઈ કોરાટના જીવન મૂલ્યોથી પ્રેરણા લઈને વધુમાં વધુ સેવા અને લોકકલ્યાણ - સુખાકારીના કર્યો કરીએ એજ સાચી શ્રદ્ઘાંજલિ છે.

આ પ્રસંગે અગ્રણી મનસુખભાઈ ખાચરિયા, પી જી કયાડા, વેલજીભાઈ સરવૈયા, રમેશભાઈ જોગી, સુભાષભાઈ બાંભરોલિયા, પ્રતિપાલસિંહ જાડેજા, ગોરધનભાઈ ધામેલીયા, દિનેશભાઈ ભૂવા, ભીખુભાઈ ભેડા, વજુભાઈ કોઠારી સહિત મહાનુભાવોએ તેમના જીવનને યાદ કરી સ્વ. સવજીભાઈ કોરાટને શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી

આ પ્રસંગે બી જે પી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ કોરાટએ સર્વેને આવકરેલ અને આ સેવા કાર્યો માટે આવેલ ડોકટરો, રકતદાતાઓને બિરદાવ્યા હતા અને મહાનુભાવો, કાર્યકરોની વિશેષ ઉપસ્થિતિ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

આ પ્રસંગે પૂર્વ મંત્રી, જશુબેન કોરાટ, સુરેશભાઈ સખરેલીયા, જેન્તીભાઈ રામોલિયા, રાજુભાઈ પટેલ જયસુખભાઈ ગુજરાતી, રાજુભાઈ ઉસદડિયા, ચંદુભા જાડેજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ શાહે કર્યું હતું.

(10:05 am IST)