Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

કચ્છ-૨૧, મોરબી-૨૦, ભાવનગરમાં વધુ ૮ને કોરોના

કચ્છની કોરોના લેબ ચાલુ રાખવા વહિવટી તંત્ર જાગ્યુ : કચ્છ-૨૧૬, મોરબી-૧૭૫ અને ભાવનગર જિલ્લામાં ૫૫ એકટીવ કેસ

રાજકોટ તા. ૨૭ : કોરોના મૃત્યુઆંકમાં આજે રાહત રહી છે પરંતુ કેસો સતત વધી રહ્યા છે તેમ કચ્છ-૨૧, મોરબી-૨૦ અને ભાવનગર જિલ્લામાં વધુ ૮ કેસ નોંધાવા પામ્યા છે.

કચ્છમાં દર્દીઓ વધીને ૨૧૬

ભુજના પ્રતિનિધિના અહેવાલ મુજબ કચ્છમાં કોરોના ટેસ્ટ માટેની આરટીપીસીઆર લેબમાં સામગ્રી ખુટી પડવાના કારણે લેબ બંધ થવાની ભીતિના સમાચારો ચર્ચામાં છે. જોકે, આ સબંધે અહેવાલો આવ્યા બાદ વહિવટીતંત્ર સફાળુ જાગ્યું છે. અત્યારે કચ્છની મુખ્ય સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. જનરલમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ થાય છે. આ લેબમાં ટેસ્ટીંગ સામગ્રી ખૂટતાં કોરોના ટેસ્ટ નહી થાય એવી ભીતિએ કચ્છમાં ચર્ચા જગાવી છે. જોકે, અહેવાલો બાદ વહિવટીતંત્રએ સફાળા જાગી ગંભીર બનીને લેબ ચાલુ રાખવા માટે ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડને ઇન્ટેન્ટ મોકલી આપ્યું છે.

બીજી બાજુ પ્રવાસીઓ દ્વારા આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા સરકારી હોસ્પીટલમાં થતાં ધસારાને.ખાળવા તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, આઈએમઆરસીની ગાઇડલાઇન અનુસાર મુસાફરી માટે આરટીપીસીઆર ટેસ્ટનું પ્રમાણપત્ર સરકારી હોસ્પીટલ દ્વારા નહી અપાય મુસાફરી માટે ખાનગી લેબમાંથી રીપોર્ટ કરાવવો પડશે. એટલે હવે પ્રવાસ માટે ખાનગી લેબનો આરટીપીસીઆર રીપોર્ટ જોઇશે. જોકે, કચ્છમાં કોરોનાના કેસ બાબતે તંત્ર દ્વારા ચાલતા લુકાછૂપીના ખેલ વચ્ચે નવા ૨૧ દર્દીઓ સાથે એકિટ્વ કેસ વધીને ૨૧૬ થયા છે.

સ્મશાનમાં છેલ્લા પાંચ દિવસમાં ૧૯ મૃતદેહોને પ્રોટોકોલ મુજબ અંતિમ સંસ્કાર કરાયા હોવાની ચર્ચા વચ્ચે સત્તાવાર મોતનો આંક ૭૧ જ દર્શાવાઈ રહ્યો છે. કુલ દર્દીઓની સંખ્યા ૩૧૭૫ અને સાજા થનાર દર્દીઓની સંખ્યા ૨૮૭૩ છે. જોકે, સરકારી આંકડાઓની સરવાળા બાદબાકીમાં પણ મોતના આંકડા વધુ હોય એવું સ્પષ્ટ દેખાય છે.

મોરબી જિલ્લામાં દર્દીઓ સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે કોરોનાના નવા ૨૦ કેસો નોંધાયા છે જયારે વધુ ૦૭ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૭ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય-૦૪ શહેરી વિસ્તારમાં, વાંકાનેરના ૦૪ કેસોમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી વિસ્તારમાં, હળવદના ૦૬ કેસો શહેરી વિસ્તારમાં અને ટંકારાના ૦૩ કેસો ગ્રામ્ય પંથકમાં મળીને કુલ ૨૦ કેસો નોંધાયા છે તો વધુ ૦૭ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૬૦૭ થયો છે જેમાં ૧૭૫ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૨૭૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

ભાવનગરમાં ૧૨ દર્દીઓ કોરોના મુકત

ભાવનગર : જિલ્લામા વધુ ૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૧૨૭ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૪ પુરૂષ અને ૩  સ્ત્રી મળી કુલ ૭ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ગારીયાધાર ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૧ તેમજ તાલુકાઓના ૧ એમ કુલ ૧૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૧૨૭ કેસ પૈકી હાલ ૫૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૯૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:44 am IST)