Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

જામનગરમાં શહેરની ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે ઓવરબ્રિજના નિર્માણ માટે રૂ. ૬પ કરોડ મંજૂર

જામનગર, તા.ર૭ : જામનગર શહેરની વધતી જતી ટ્રાફીક સમસ્યા નિવારણ માટે રાજય સરકાર દ્વારા ગુરૂદ્વારા જંકશન અને અંબર જંકશન રોડ પર ઓવરબ્રિજ બનાવવા માટે રૂ. ૬પ કરોડની મતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાનો હાલ વિસ્તાર ૧ર૮.૪૦ ચો.કી.મી. હોય, તેમજ સાડા સાત લાખ જેટલી વસ્તી ધરાવે છે. તદ્ઉપરાંત જામનગર શહેરની આસપાસમાં રીલાયન્સ, ન્યારા એનર્જી તેમજ જીએસએફસી જેવી મોટી કંપનીઓ આવેલ હોય અને યાત્રાધામ દ્વારકાનગરી જવા માટે પ્રવેશ દ્વાર સમાન જામનગર શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફીક સમસ્યામાં વધારો થઇ રહ્યો હોય, જેના નિરાકરણ સ્વરૂપે મેજર જંકશન ઉપર ફલાયઓવર બનાવવાની જરૂરીયાતને ધ્યાને લઇ વધુ એક ફલાય ઓવર બ્રીજ બનાવવાની જરૂરીયાત અન્વે કમિશનરશ્રી સતીષ પટેલ દ્વારા શહેરી વિકાસ ખાતાને લખેલ પત્ર તેમજ મુખ્યમંત્રીને જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓએ ગાંધીનગર મુકામે રૂબરૂ રજૂઆત કરતા રજુઆત અન્વયે મુખ્યમંત્રીશ્રી દ્વારા જામનગરના શહેરીજનોને સુવિધા અને સુખાકારીમાં વધારો થાય તે માટે ઇન્દીરા માર્ગ ઉપર ફલાય ઓવર બ્રીજ મંજુર કરવામાં આવેલ છે.

આ બ્રિજ ગુરૂદ્વારા જંકશનથી અંબર જંકશન સુધી ૯૬૦ મીટરનો ફોર લેન ફલાય ઓવર બ્રીજ બનાવવામાં આવશે. તેમજ પહોળાઇ ૧૭ મીટર રહેશે અને ઉંચાઇ પ.૩૦ મીટર રહેશે. અંદાજે રૂ. ૬પ કરોડના ખર્ચે આ ફલાય ઓવર બ્રીજ બનાવવામાં આવશે. જે અંગેની આનુસંગીક કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે અને આ ફલાય ઓવર બ્રીજનું કામ ર વર્ષમાં પૂર્ણ થવાનો અંદાજ છે.

રાજય સરકારશ્રી દ્વારા બજેટમાં ફલાય ઓવર બ્રીજ અંગે જોગવાઇ કરવામાં આવેલ હતી તે અન્વયે મંજૂરી આપવામાં આવેલ છે તે બદલ જામનગર શહેર થતી કેબીનેટ મંત્રી આર.સી. ફળદુ, રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, સાંસદ સભ્ય પૂનમબેન માડમ, મેયર હસમુખભાઇ જેઠવા, શહેર ભાજપા અધ્યક્ષ હસમુખભાઇ હિંડોચા, ડે. મેયર કરશનભાઇ કરમુર, ચેરમેન સ્ટે. કમીટી સુભાષભાઇ જોષી, શાસકપક્ષ નેતા દિવ્યેશભાઇ અકબરી, શાસકપક્ષ દંડક જડીબેન સરવૈયા, શહેર મહામંત્રી ધર્મરાજસિંહ જાડેજા, ડો. વિમલભાઇ કગથરા, પ્રકાશભાઇ બાંભણીયા, તેમજ મહાનગરપાલિકાની ચૂંટાયેલા પાંખના સભ્યોએ આવકારેલ છે. સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ તેમજ પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલનો આભાર માનેલ છે.

(1:10 pm IST)