Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

વિરમગામ પાસે સદગુરૂદેવ પુરૂષોત્તમલાલજી મહારાજ શતાબ્દી મહોત્સવ : હોમાત્મક ૧૨૧ કુંડી યજ્ઞ : ૨૧ ફુટના રૂદ્રાક્ષ શિવલીંગના દર્શન

ભાવનગર તા.૨૭ : વિરમગામ પાસે ખોબલા જેવા વનથળ ગામના માનવમાત્રની સેવાકીય પ્રવૃતિઓથી ધમધમતા લબ્ધપ્રતિષ્ઠિત આનંદ આશ્રમમાં ડિસેમ્બર તા.૧ થી તા.૩ સુધી સદગુરૂ દેવ પુરૂષોતમ લાલજી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

હોમાત્મક ૧૨૧ કુંડી અતિરૂદ્ર મહાયજ્ઞ ૧રપ કરોડ મંત્ર ઓમ નમોઃ ભગવતે વાસુદેવાય લેખન, ૨૧ ફુટ રૂદ્રાક્ષ શિવલીંગ દર્શન, વિજયસ્તંભ સ્થાપના અંતર્ગત વિધવિધ કાર્યક્રમોનુ આયોજન થયુ છે. તા.૧ રવિવારે સવારે ૧૦ કલાકે દિપ પ્રાગટય મહામંડલેશ્વર શ્રી વિશ્વંભરભારતીબાપુના હસ્તે થશે અને જગમશહુર આનંદઆશ્રમના ક્રાંતીકારી મહંત દિનબંધુ લાલમહારાજ પૂજન કરશે. ત્યારબાદ દિલીપદાસ મહારાજ (અમદાવાદ) રૂષિશ્વરાનંદ સ્વામી (હરિદ્વાર) કનીરામબાપુ (દુધરેજ) દુર્ગાદાસ મહારાજ (સાયલા) ધર્મસભાને સંબોધશે.

તા.ર સોમવારે સવારે ૯ થી ૧૨ અમૃતસભા યોજાશે જેમાં પાવન અવસરે ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇશ્રી) વલકુબાપુ (ચલાલા), દેવપ્રસાદબાપુ (જામનગર), હરિચૈતનાનંદ મહારાજ (હરિદ્વાર), નિર્મળાબા (પાળીયાદ), આઇકંકુકેશમા (ભાણોલ) મા કનકેશ્વરી દેવી (અશોકનગરી)વકતવ્ય આપશે.

તા.૩ મંગળવારે સવારે ૯ થી ૧૨ દિવ્યસભા થશે જેને શ્રી દંડીસ્વામી (શારદાપીઠ દ્વારકા) મુકતાનંદ મહારાજ (ચાંપરડા), રામલખનદાસ મહારાજ (ડાકોર) માધવપ્રિયદાસ સ્વામી (છારોડી) શેરનાથબાપુ (જૂનાગઢ), કેશવાનંદ સ્વામી (દ્વારકા) સંબોધીત કરશે. ધર્મ મહોત્સવને આખરી ઓપ અપાઇ રહેલ છે.

મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે. મહોત્સવમાં આવનાર પ્રત્યેકને તકલીફ ન પડે તેવી ચોકસાઇ રખાશે સર્વો માટે બંને સમય મહાપ્રસાદ તેમજ રહેવાની વ્યવસ્થા છે તા.૧ ના રોજ રાત્રે કિર્તીદાન ગઢવી વગેરેનામાંકીત કલાકારો સંતવાણી પીરસશે. મહોત્સવનું કલાત્મક પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજયનુ પ્રધાન મંડળ હાજરી આપશે. આ લખાય છે ત્યારે વનથળ ગામને ઇલેકટ્રીક સીરીઝો ધજા પતાકાથી સુશોભીત કરાયુ છે. સમગ્ર નળ કાંઠામાં પોતાના ઘરે પ્રસંગ જેવો માહોલ સર્જાયો છે. ઠેરઠેર ચા દુધ કોફીના કાઉન્ટર ઉભા કરાયા છે.

વનથળ ધામ ખાતે પુરૂષોતમનગર ઉભુ કરેલ છે. જેમાં અખંડધૂન સમુહ યજ્ઞોપવિત, ફોટો આર્ટ ગેલેરી, સદગુરૂ મ્યુઝીયમ, દર્શન, છપ્પનભોગ, અન્નકુટ દર્શન થશે. અહી ઉલ્લેખનીય છે કે ગત ૨૦૦૮ થી પ્રારંભ થયેલ મંત્રલેખન ઓમ નમો ભગવતે વાસુદેવાય ૧૨૫ કરોડનુ સમાપન થશે. આ પ્રસંગે હેલીકોપ્ટર દ્વારા પુષ્પવૃષ્ટિ કરાશે ધર્મપ્રેમી જનતાએ મહોત્સવનો બહોળા પ્રમાણમાં લાભ લેવા સાગ્રહ જાહેર આમંત્રણ એક યાદીમાં પાઠવેલ છે.

(12:04 pm IST)