Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

ભુજ- સતત બ્લેકમેઇલિંગ અને દુષ્કર્મથી કંટાળેલી સગીરાના આપઘાતના કિસ્સામાં કાર્યવાહી નહીં કરનાર પોલીસ કર્મીઓ સામે તપાસ

છરીની અણીએ વારંવાર સગીરાને ઉપાડી જનાર માથાભારે યુવાનથી કંટાળેલી સગીરાના મોત બાદ ભુજ પોલીસનું ઉદાસીન વલણ ચર્ચામાં- આઈજી સુભાષ ત્રિવેદીએ આપ્યા તપાસના આદેશ

ભુજ,તા.૨૭: ભુજમાં રહેતી ૧૬ વર્ષીય સગીરાને છરીની અણીએ ઉપાડી જઈ તેને દુષ્કર્મનો ભોગ બનાવ્યા બાદ બ્લેકમેઇલિંગ દ્વારા સતત પોતાની હવસનો ભોગ બનાવનાર નરેન્દ્રસિંહ રવાજી જાડેજાથી ત્રાસેલી સગીરાએ આત્મહત્યા કરી લીધી હતી.

તાજેતરમાં જ બનેલા આ બનાવમાં ભોગગ્રસ્ત સગીરાના પરિવારે ભુજ પોલીસ આરોપી યુવાનને બચાવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. ભુજના નાયબ મામલતદાર રવાજી જાડેજાના પુત્ર નરેન્દ્રસિંહ જાડેજાના ત્રાસને કારણે સગીરાનો પરિવાર ભુજ છોડીને માધાપર રહેવા ગયો હતો.

પણ, ત્યાયે પહોંચી આવેલા નરેન્દ્રસિંહ જાડેજાએ યુવતીને છરીની અણીએ ઉઠાવી જઈ દુષ્કર્મનો ભોગ બનાવતો હતો, ઉપરાંત તેના બીભત્સ ફોટા તેમ જ વીડીયો વાયરલ કરી પરિવારને બદનામ કરવાની ધમકી આપતો હતો. નરેન્દ્રસિંહના ત્રાસથી કંટાળેલી ૧૬ વર્ષીય સગીરાએ અંતે આત્મહત્યા કરી લીધી હતી.

પરંતુ, આ કેસમાં પોલીસ આરોપી યુવાન નાયબ મામલતદારનો પુત્ર હોઈ તેને છાવરતી હતી. અંતે મૃતક યુવતીના પરિવારજનોએ આઈજી સુભાષ ત્રિવેદી સમક્ષ આ અંગે રૂબરૂ રજુઆત કરી હતી. માતા પિતાનો વલોપાત સાંભળીને દ્રવિત થઈ ગયેલા આઈજી સુભાષ ત્રિવેદીએ આ રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈને આ કિસ્સામાં પોલીસ કર્મીઓએ કયાં બેદરકારી દાખવી તે અંગે તપાસના આદેશો આપ્યા છે. જોકે, પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ઢીલ ઉપરાંત પોકસો સહિતની કલમ પણ ન લગાડવા અંગે આક્ષેપો થયા છે.

(12:01 pm IST)