Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

હવે આ બાકી હતું...જાફરાબાદના ડોસીમાને 'ઘેની ચા' પીવડાવી ગઠીયો રૂ.૩૦૦૦ની મચ્છી બઠ્ઠાવી ગયો!

ગઇકાલે બપોર બાદ આજીડેમ ચોકડીથી ભાવનગર જવા નીકળેલા ૭૦ વર્ષના વૃધ્ધાને ત્રંબા પાસે ગઠીયો ભેટી ગયોઃ સાંજે દાખલ કરાયેલા નાથીડોસીએ આજે ભાનમાં આવી વિતક વર્ણવી

રાજકોટ તા. ૨૭: ગઠીયાઓ ખાનગી કે એસટી બસ અથવા ટ્રેનમાં મુસાફરને ઘેની ચા કે બેભાનીયા બિસ્કીટ ખવડાવી બેભાન કરી તેની પાસેથી રોકડ-દાગીના બઠ્ઠાવી જતાં હોવાના બનાવ અગાઉ અનેક વખત બની ચુકયા છે. પણ હવે એક બનાવમાં જાફરાબાદના એક વૃધ્ધાને રાજકોટના ત્રંબા નજીક એક ગઠીયો 'ઘેની ચા' પીવડાવી બેભાન કરી તેની પાસેની રૂ. ૩ હજારની મચ્છી બઠ્ઠાવી ગયો છે!...આ વૃધ્ધા ગત સાંજે ત્રંબા નજીકથી બેભાન મળતાં અજાણ્યા દર્દી તરીકે દાખલ હતાં. આજે સવારે ભાનમાં આવ્યા બાદ તેમણે વિતક વર્ણવી હતી.

જાણવા મળ્યા મુજબ ગઇકાલે એક વૃધ્ધા ત્રંબા નજીક બેભાન હાલતમાં પડ્યા હોઇ કોઇએ જાણ કરતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જે તે વખતે તેઓ બેભાન હોઇ અજાણ્યા દર્દી તરીકે દાખલ કરવામાં આવ્યા હતાં. સારવાર બાદ આજે સવારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે પોતાને હોસ્પિટલમાં જોઇ ચોંકી ગયા હતાં.

વૃધ્ધાએ પોતાનું નામ નાથીબેન રત્નાભાઇ બાંભણીયા (ખારવા) (ઉ.વ.૭૦-રહે. જાફરાબાદ રાજુલા) જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે હું અવાર-નવાર અમારા ગામથી મચ્છી લઇ રાજકોટ, ત્રંબા તેમજ ભાવનગર સુધી વેંચવા જાઉ છું. ગઇકાલે બપોર બાદ રાજકોટ આજીડેમ ચોકડીએ ત્રણેક હજારની મચ્છીનો જથ્થો લઇને પહોંચ્યા હતાં અને ભાવનગર તરફ જવા વાહનની રાહ જોતા હતાં ત્યારે એક શખ્સ તેને ત્રંબા સુધી લઇ ગયો હતો. ત્યાં ચા પીવાનું કહ્યું હતું. પોતે ચા નથી પીતા તેમ કહેતાં એ શખ્સે પોતાના સમ આપીને ચા પીવડાવી હતી. એ પીતા જ પોતાને ચક્કર આવી ગયા હતાં. પછી આજે પોતે ભાનમાં આવ્યા ત્યારે હોસ્પિટલમાં હતાં.

નાથીબેને જણાવ્યું હતું કે પોતાની પાસેનું પર્સ ગાયબ છે. જેમાં બસ્સો રૂપિયા હતાં. તેમજ ત્રણ હજારની મચ્છીનો માલ પણ ગાયબ છે. આ અંગે આજીડેમ પોલીસને જાણ કરવામાં આવતાં તપાસ શરૂ થઇ છે. વૃધ્ધા વિતક વર્ણવતી વખતે રડી પડ્યા હતાં.

(11:50 am IST)