Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બેડી ચોકડીએ ટ્રકે બાઇકને પાછળથી ઉલાળતાં કોટડા નાયાણીના ખેડૂત મનુભા જાડેજાનું મોત

પાછળ બેઠેલા મજૂરને ઇજાઃ રાજકોટ વાહનની ઘોડી-સાયલેન્સર રિપેર કરાવી પરત જતા હતાં ત્યારે બનાવ : અકસ્માત સર્જી ટ્રક રેઢો મુકી ચાલક ભાગી ગયો

રાજકોટ તા. ૨૭: મોરબી રોડ પર બેડી ચોકડીની ગોળાઇમાં સાંજે બાઇકને પાછળથી ટ્રેક ઉલાળી દેતાં બાઇકચાલક વાંકાનેરના કોટડાનાયાણીના ખેડૂત ક્ષત્રિય પ્રોૈઢનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મજૂરને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ કોટડાનાયાણી રહેતાં મનુભા નટુભા જાડેજા (ઉ.વ.૫૦) પોતાનું બાઇક નં. જીજે૦૩બીકયુ-૩૪૧૮ લઇને રાજકોટ વાહનની ઘોડી અને સાયલેન્સર રિપેર કરાવવા આવ્યા હતાં. સાથે તેનો મજૂર જુવાનસિંગ પણ હતો. બંને રિપેરીંગ કરાવી પરત કોટડા જઇ રહ્યા હતાં ત્યારે બેડી ચોકડીની ગોળાઇમાં પહોંચ્યા તે વખતે બાઇકને પાછળથી ટ્રક નં. જીજે૧૦ટીએકસ-૫૪૯૦ના ચાલકે ઠોકરે લેતાં મનુભાને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા મજૂરને પણ ઇજા થઇ હતી.

અકસ્માત સર્જી ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં બી-ડિવીઝનના એએસઆઇ એસ. ડી. પાદરીયા અને અશ્વિનભાઇએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. મૃતક મનુભાના કોૈટુંબીક ભત્રીજા કોટડાનાયાણી રહેતાં રાજેન્દ્રસિંહ બાપાલાલસિંહ જાડેજા (ઉ.૪૨)ની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

મૃત્યુ પામનાર મનુભા જાડેજા ખેતી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:49 am IST)