Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

તાલાલા-માળીયાહાટીના-બોટાદ-સુરેન્દ્રનગરમા ભૂકંપના આંચકા

ગીર સોમનાથ-જુનાગઢ જીલ્લામા ૩.૪ની તિવ્રતાથી ધરા ધ્રુજીઃ અન્ય જગ્યાએ હળવી ધ્રુજારી

રાજકોટ તા.૨૭: ગઇકાલે રાત્રીના ૧૦:૨૫ વાગ્યે જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં ૩.૪ની તિવ્રતા સાથે ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમા જણાવ્યુ છે કે કાલે મંગળવારે સવારે ૭:૩૫ વાગ્યે સુરેન્દ્રનગરથી ૧૩ કિ.મી. દુર ૧.૮ ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

જયારે સવારે ૯:૪૫ વાગ્યે બોટાદથી ૨૦ કિ.મી. દુર ૨.૦ ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હોવાનું ગાંધીનગર સ્થિત સિર્મોગ્રાફી સેન્ટરમાથી જણાવ્યુ છે.

તાલાલા ગીર

તાલાલા (ગીર) કાલે રાત્રીના ૧૦:૨૫ વાગ્યે ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીર પંથકમા પણ ૩.૪ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

ઠંડીની અસર સાથે લોકો સુવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે ધરા ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા.

આ ભૂકંપનુ કેન્દ્ર બિન્દુ તાલાલાથી વેસ્ટ નોર્થ-વેસ્ટ દિશામા પ કિ.મી દુર હતુ.

જુનાગઢ

જુનાગઢઃ રાત્રે માળિયા હાટીનાથી ગીર વિસ્તારમાં ૩.૪ની તિવ્રતાનો ભૂકંપ આવતા લોકો ભય ભીત થઇ ગયા હતા જો કે કોઇ પ્રકારના જાનમાલને નુકશાન થયુ ન હતું.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના વિસ્તારમાં રાત્રે લોકો સુવાની તૈયારી કરતા હતા ત્યારે અચાનક ૧૦.૨૫ કલાકે ધરતી ઘણઘણતા લોકો ઘર બહાર નીકળી ગયા હતા.

રિકટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા ૩.૪ની હોવાનું નોંધાયુ હતું માળીયાથી તાલાલા,અમરાપુર, જલંધર,દેવગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આચકો અનુભવાયો હતો.

૩.૪ની તિવ્રતાનાં ધરતીકંપને લઇ મકાનોમાં કાંધી પરનાં વાસણો નીચે  ખાબકયા હતા.

ભૂકંપનું એપીસેન્ટર તાલાલાથી ઉત્તરપૂર્વે ૬૦ કિલો મીટર દુર નોંધાયુ હતુ સદનસીબે કોઇ પ્રકારનું નુકશાન થયુ ન હતુ. પરંતુ લોકોએ ભૂકંપના તીવ્ર આંચકા બાદ આખી રાત અંજપામાં અને ભય વચ્ચે પસાર કરી હતી.

(11:38 am IST)