Gujarati News

Gujarati News

News of Tuesday, 27th November 2018

પોરબંદરમાં વોકીંગ ઝોનથી વેપારીઓના ધંધા ઉપર અસરઃ જાહેરનામુ રદ કરવા રજૂઆત

ઘરાકી ઘટીને ર૦ ટકા થઇઃ આખો દિવસ રોડ સંપૂર્ણ ખાલીઃ વેપારીઓને પાકીંર્ર્ગ પ્રશ્ન

પોરબંદર તા. ર૭ :.. ડ્રીમ્લેન્ડ સિનેમા રોડ, એમ. જી. રોડના ૧૬૦ જેટલા વેપારીઓએ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને રજૂઆત કરીને પોરબંદર. ડ્રીમ્લેન્ડ સિનેમાંથી માણેક ચોક સુધીના રસ્તાને વોકીંગ ઝોનનું જાહેરનામુ રદ કરવા માંગણી કરી છે.

રજૂઆતમાં જણાવેલ છે કે આ રોડ ઘણા વર્ષોથી વન-વે રોડ હતો અને ત્યાં પાર્કીંગ માટે પણ એકી-બેકીના નિયમ મુજબ બન્ને સાઇડ પાર્કીંગ કરવામાં આવતુ હતુ અને લોકો પોતાના ટુ વ્હીલર વાહનો દ્વારા વન-વે ના નિયમ મુજબ આવન-જાવન કરતા હતા અને તેમાં કોઇ ને કોઇપણ જાતની મુશ્કેલી કે તકલીફ નહોતી.

ટ્રાફીકના પ્રશ્નને આડસ ધરી આ રોડને વોકીગ ઝોન તરીકે જાહેર કરતુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ અને સતત વિરોધ હોવા છતાં આ જાહેર નામાની અમલવારી શરૂ કરવામાં આવેલ છે. આ જાહેરનામાની અમલવારી શરૂ થઇ ત્યારથી ધંધાને ૮૦ ટકા જેટલો માર લાગ્યો છે ઘરાકી માત્ર ર૦ ટકા જેવી થઇ ગયેલ છે. આ રોડને વોકીંગ ઝોન કર્યા પછી સવારથી સાંજ સુધી આ રોડ સંપૂર્ણ પણે ખાલી જોવા મળે છે. આ રોડની પાછળનો બંગડી બજાર વારો રોડ એક બાજુ વન-વે છે અને માણેક ચોકથી એમ. જી. રોડ પર કોઇ ગ્રાહકો સ્કુટર લઇને પણ આવી ન શકે તેમજ સુદામા ચોકથી પણ ડ્રીમલેન્ડ સિનેમા પછી - સ્કુટર લઇને આવનાર ગ્રાહકોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સુદામા ચોકથી ડ્રીમ્લેન્ડ સિનેમા સુધી પણ વાહનો પાર્ક કરી શકાય તેમ નથી વળી નાની મોટી ઘર ઘથ્થુ કે કરીયાણાની વસ્તુઓ લેવા આવતા ગ્રાહકો આ રોડ પર આવવાનું જ ટાળે છે. જેથી આ રોડ પર ના તમામ વેપારીઓના વેપાર ઠપ્પ થઇ ગયેલા છે. અને જેના કારણે અમો તમામ વેપારીઓને જ મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે. આ રોડ પહેલે થી વન-વે તો હતો જ અને તેમાં કોઇને કોઇ મુશ્કેલી પણ નહોતી કે ટ્રાફીકના કોઇ  પ્રશ્ન પણ કયારેય નહોતો પરંતુ જયારથી આ રોડને વોકીંગ ઝોન જાહેર કરી તેની અમલવારી શરૂ કરાવવામાં આવી છે ત્યારથી સુદામા ચોકથી ડ્રીમ્લેન્ડ સિનેમા સુધી પાર્કીંગની સમસ્યા વધી છે. રજૂઆતની નકલ મુખ્યમંત્રી ધારાસભ્ય ચીફ ઓફીસર સહિતને મોકલી યોગ્ય કરવા જણાવેલ છે. (પ-૧૭)

(11:45 am IST)