Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બ્રીડીંગને લઇ જૂનાગઢનાં સકકર બાગ ઝુમાં પાંચ વર્ષમાં વરૂની સંખ્યા ૩૯ થઇ

લુપ્ત થતા વરૂને બચાવવા માટે સઘન પ્રયાસો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૭: વરૂની પ્રજાતિ લુપ્ત થવાનાં આરે છે. પરંતુ જુનાગઢનાં સકકર બાગ ઝુમાં પાંચ વર્ષમાં વરૂની સંખ્યા વધીને ૩૯ની થઇ છે.

શ્વાન જેવું દેખાતું આ વન્ય પ્રાણી (વરૂ) ડોગ ફેમિલીનું સભ્ય છે પણ વિશ્વભરમાં વરૂની સંખ્યા દિન પ્રતિદિન ઘટી રહી છે ત્યારે પાંચ વર્ષ અગાઉ જુનાગઢ ખાતેનાં સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં મૈસુર ઝુમાંથી નર વરૂર લાવીને બ્રીડીંગ સેન્ટર શરૂ કરાયેલ.

બ્રીડીંગ સેન્ટરનાં પ્રારંભે બે માદા વરૂ સાથે મૈસુરનાં નર વરૂનું મેટિંગ સફળ રહેતા સકકરબાગ ઝુમાં વરૂની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતાં અત્યારે વરૂની સંખ્યા વધીને ૩૯ જેટલી થવા પામી હોવાનું જાણવા મળેલ છે.

કચ્છ, સુરેન્દ્રનગર અને ભાવનગરમાં જવલ્લે જ જોવા મળતાં વરૂ ખેડુતો માટે આશીર્વાદરૂપ પ્રાણી છે.

તાજેતરમાં સકકરબાગ ઝુમાં જેની નામની માદા વરૂર અને પ્રતાપ નામનાં નર વરૂનાં સફળ મેટિંગનાં ફળ સ્વરૂપે પાંચ તંદુરસ્ત બચ્ચાનો જન્મ થતાં ઝુમાં વરૂની સંખ્યામાં ઉમેરો થયો હતો.

(12:26 pm IST)