Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

મોરબીની ત્રણ દિવાલ ઘડિયાળ બનાવતી કંપનીમાં જીએસટીના દરોડામાં ૧ કરોડની કર ચોરી ઝડપાઇ.

બિલ વગર અને ઇન્વોઇસિંગ કરી જીએસટીની ચોરી કરાતી હોવાનું ખુલ્યું

મોરબી : રાજકોટ સેન્ટ્રલ ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેડ ક્વાર્ટરની પ્રવીન્ટીવ ટીમ દ્વારા દિવાળીના સમયે જીએસટી ચોરી મામલે ઉધોગપતિઓ અને વેપારીઓ ઉપર દરોડાની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં આ જીએસટી ટીમ દ્વારા મોરબીના લતીપ્લોટમાં વોલ કલોકનું ઉત્પાદન કરતી ત્રણ ફેકટરીઓમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રૂ.૧ કરોડની જીએસટી ચોરી ઝડપી લઈ રૂ.૨૬ લાખની વસુલાત કરી લેવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લતીપ્લોટ વિસ્તારમાં આવેલ વેલેક્સ, આકાર અને પ્રેસિડેન્ટ નામની વોલ કલોકનું ઉત્પાદન કરતી ફેકટરીઓના પુરા અભ્યાસ બાદ રાજકોટ જીએસટી ટીમના સુપ્રી. જી.જે.ઝાલા, મુકેશ શર્મા અને નીતિન બુદ્ધદેવ સહિતના સ્ટાફે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આ ત્રણેય ફેકટરીઓમાં સર્ચ ઓપરેશન દરમિયાન ડોક્યુમેન્ટ અને ઇ-બીલની સઘન ચકાસણી કરી આ ચકાસણીમાં વોલ કલોક ઉત્પાદકો દ્વારા બિલ વગર અને અંડર ઇન્વોઇસિંગ કરી ઘડિયાળનું વેચાણ કરી ૧ કરોડની જીએસટીની ચોરી કરાતી હોવાનું ખુલ્યું હતું . આથી સ્થળ ઉપર જ રૂ. ૨૬ લાખની વસુલાત કરી લેવામાં આવી હતી. બાકીની રિકવરી પણ ટૂંક સમયમાં કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

(12:38 pm IST)