Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ખેડૂતો માટેના અનાવૃષ્ટિ-અતિવૃષ્ટિની સહાયમાં મોરબી જીલ્લો બાકાત કેમ? મુખ્યમંત્રીને સવાલ.

ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસો.ના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબી :ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ્સ એસોસીએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટેના અનાવૃષ્ટિ તથા અતિવૃષ્ટિની સહાયમાં મોરબી જિલ્લાને કેમ બાકાત રાખવામાં આવ્યો તે અંગે સવાલ કર્યો છે અને જાહેર કરેલ પેકેજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા અતીવૃષ્ટિગ્રસ્ત ખેડૂતોને સહાય આપવા માટેના પેકેજની જાહેરાત કરેલ છે. પરંતુ આ પેકેજ માં મોરબી જીલ્લા નો સમાવેશ કરવામાં આવેલ નથી. આ મોરબી જીલ્લામાં મુખ્યમંત્રી સહાય યોજનાની સ્કીમ મુજબ ૨૮ દિવસ કરતા વધુ સમય સુધી વરસાદ થયેલ નથી. જેથી આ વિસ્તારને અનાવૃષ્ટિગ્રસ્ત ગણીને પણ સહાય આપવાની જરૂરત હતી.
ત્યારબાદ અતિવૃષ્ટિ પણ થયેલ છે. એકવાર વાવેલા પાક વરસાદ ન થવાના કારણે નાશ પામેલ તો બીજીવાર કરેલ વાવેતરનો પાક અતિવૃષ્ટિથી નાશ પામેલ છે.    આમ જોવા જાવ તો મોરબી જીલ્લાને આ બંને સહાય ચૂકવવી જોઈએ, પરંતુ મોરબી જીલ્લાને હળહળતો  અન્યાય કરીને આમાંની એક પણ સહાય ચુકવવામાં આવેલ નથી. મોરબી જીલ્લાના મોરબી માળિયાના ધારાસભ્યને સરકારમાં મંત્રી બનાવવામાં આવેલ છે પરંતુ મોરબી જીલ્લાના ખેડૂતોને તો અન્યાય જ થઇ રહ્યો છે. ધારાસભ્ય મંત્રી બનવાથી ખુશ છે હવે તેમને ખેડૂતો ને સહાય મળે કે ના મળે કોઈ ફેર પડતો નથી તેવું લોકો કહી રહ્યા છે.
આ નવી સરકારમાં મોરબી જીલ્લા ને દરેક ક્ષેત્ર અન્યાય જ થઈ રહ્યો હોવાની લાગણી લોકો અનુભવી રહ્યા છે. ત્યારે અમારી આપને નમ્ર વિનતી સાથે માંગણી છે કે અમારા જીલ્લાના ખેડૂતોને ન્યાય આપો અને ઉપર મુજબના પેકજમાં મોરબી જીલ્લાનો સમાવેશ કરવા વિનંતી. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનાત્મક કાર્યક્રમો કરવાની ફરજ પડશે. તો આ બાબતે યોગ્ય કરવા વિનંતી.

(12:38 pm IST)