Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જામજોધપુરના કોટડાબાવીસીમાં સસ્તા અનાજના ગેરકાયદે જથ્થા મુદ્દે દુકાનદારોનો પરવાનો મોકુફ-ફરીયાદ

જામજોધપુર તા.ર૭ : જામજોધપુર તાલુકાના કોટડાબાવીસી ગામના પાટીયા પાસે વ્રજ ફુડ પ્રોડકટસ નામની દુકાન-ગોડાઉનમાં વાજબી ભાવની દુકાનનો શંકાસ્પદ જથ્થો ઉતરતો હોવાની પોલીસ વિભાગ દ્વારા મામલતદારશ્રી, જામજોધપુરને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી. જેના અનુસંધાને મામલતદારશ્રી, જામજોધપુર અને ટીમ દ્વારા ગત તા.ર૪/૧૦/ર૦ર૧ના રોજ સ્થળની આકસ્મિક તપાસણી કરવામાં આવતા વ્રજફુડ પ્રોડકટસ નામની દુકાન-ગોડાઉન ખાતેથી ચોખાના પ૦ કિ.ગ્રા.ના એક એવા કુલ-૩૦૧ કટ્ટાઓ જેનો કુલ ચોખાનો જથ્થો તેમજ ટાટા કંપનીના ટ્રક નંબર જી.જે. ૦૪ એ.ડબલ્યુ-૧૮૯૧ મળી કુલ રૂ.૭,રપ,૦૦૦નો જથ્થો સ્થગિત કરવામાં આવ્યો છે.

તપાસણી દરમ્યાન ડ્રાયવરના નિવેદન મુજબ તેઓ દ્વારા કડબાલ ગામની વ્યાજબી ભાવની દુકાન ખાતેથી ચોખાનો જથ્થો ભરવામાં આવેલ હોવાનું જણાવેલું, જે અન્વયે જિલ્લા પુરવઠા અધિકારી અને પુરવઠા નિરીક્ષકોની ટીમ સાથે આસી.ડાયરેકટરશ્રી, ગાંધીનગરની ટીમ તથા મામલતદારશ્રી, જામજોધપુર અને ટીમ દ્વારા તા.રપ/૧/ર૦ર૧ ના રોજ વિશેષ તપાસણી અર્થે કડબાલ ગામના વ્યાજબી ભાવના દુકાનદાર ભાયાભાઇ જીવાભાઇ બેલાની દુકાનની તપાસણી કરવામાં આવી હતી, અને તપાસણીમાં જણાયેલી ગેરરીતીઓ બદલ દુકાને હાજર રહેલ કુલ રૂ.૧,ર૭,૧૮૪ ની કિંમતનો તમામ જથ્થો સ્થગિત કરવામાં આવેલો છે તેમજ આ અંગે એફ.પી. એસ. દુકાનદારનો પરવાનો મોકુફ કરવા, પોલીસ ફરીયાદ દાખલ કરવા તેમજ ગેરકાયદેસર ઉતરેલા જથ્થાની વિસ્તૃત તપાસ શરૂ હોય, આ પ્રકરણમાં સંડોવાયેલા તથા ગુન્હાહીત પ્રવૃતિઓ આચરનાર તમામ ઇસમો સામે સખ્ત પગલા લેવા અંગેની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

તેમજ આગામી સમયમાં પણ આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા સસ્તા અનાજના પરવાનેદારો વિરૂધ્ધ સખત કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાંઆવશે ત્યારે આ બાબતે કડબાલના સસ્તા અનાજના દુકાન વેપારી ડાયાભાઇ બેલા અને તેમના સગાભાઇ વિરમભાઇ બેલા કે જેમને કોટડાબાવીસી મુકામે જેમને ફુડ પ્રોસિંગનું કારખાનું છે તેમને ચોખાનો જથ્થો પીલવા આપ્યો જેમના ઉપર ધોરણસર કાર્યવાહી કરવા જિલ્લા કલેટર દ્વારા આદેશ અપાયા છે.

(11:34 am IST)