Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

જામજોધપુર-કોટડા બાવીસી ગામે મંદિરમાં ચોરી કરનાર પકડાયેલા દાહોદ પંથકના ત્રણ શખ્સોએ ૪૧ ચોરી કબૂલી

જામનગર તા. ર૭ :.. ગત તા. ૧-૮-ર૦ર૧ ના રોજ રાત્રીના જામજોધપુર વિસ્તારમાં કોટડા બાવીસી ગામમાં કોટડા બાવીસી માતાજી મંદિર તેમજ (ર) તા. ૭-૯-ર૦ર૧ ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમાં  જલારામ મંદિર તેમજ (૩) તા. ર૭-૯-ર૦ર૧ ના રોજ રાત્રીના જામજોધપુર ટાઉનમાં ગાયત્રી મંદિર માં (૪) ત્રણેક મહિના પહેલા રાત્રીના કાલાવડ ટાઉનમાં અમીપરીની દરગાહ પાસે આવેલ મકાનમાં ચોરીના બનાવ બનેલ જે અંગે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ હતી, સદરહુ મિલ્કત સબંધી ગુનાઓ વણશોધાયેલ હતાં.જામનગર પોલીસ વડા સુચનાથી તથા એલ. સી. બી. ના પો. ઇન્સ. એસ. એસ. નિનામા ના માર્ગદર્શન મુજબ એલ. સી. બી. ના પો. ઇસ. આર. બી. ગોજીયા, કે. કે. ગોહીલ તથા બી. એમ. દેવમુરારી સાથે વણશોધાયેલ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે તપાસ કાર્યવાહીમાં હતાં.

તપાસ દરમ્યાન જામનગર, રાજકોટ, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જીલ્લામાં મંદિર ચોરીની એમ. ઓ. વાળા સક્રિય એમ. સી. આર. ઇસમોને ચેક કરવામાં આવેલ, તેમજ ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવેલ હતું.

દરમ્યાન ધાનાભાઇ મોરી તથા ફીરોજભાઇ દલ, રઘુવીરસિંહ પરમાર, નિર્મળતસિંહ એસ. જાડેજાને હકિકત મળેલ કે, જામજોધપુર ટાઉનમાં તથા કાલાવડ ટાઉનમાં અલગ અલગ સ્થળોએ ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીમાં પરપ્રાંતિય ઇસમો ની સંડોવણી હોવા અંગેની હકિકત બાતમી મળેલ હતી, જે બાતમી આધારે જામજોધપુર ટાઉનમાં માર્કેટીંગ યાર્ડ રોડ ઉપરથી ત્રણ ઇસમોને પકડી પાડી તેઓના કબ્જામાંથી ચોરીમાં ગયેલ રોકડ રૂપિયા, ચાંદી છતર વિગેરે ૪૮૦૦ ગ્રામ, સોના-દાગીના, ધાતુની મૂર્તિ-૦૧ એક મળી અલગ અલગ ચોરીમાં  ગયેલ મુદામાલ કિ. રૂ. ર,૮૪,૯૭૦ સાથે પકડી પાડી મજકૂર ત્રણેય ઇસમો વિરૂધ્ધ પો. સ. ઇ. આર. બી. ગોજીયા નાઓએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

દરમિયાન આરોપીઓ (૧) પ્રભુ મેઘજીભાઇ બામણીયા ધંધો મજૂરી રહે. હાલ જામજોધપુર રહે. નવાનગર તા. ધાનપુર જી. દાહોદ (ર) રાકેશ જેનુભાઇ ભુરીયા ધંધો મજૂરી રહે. હાલ જામજોધપુર મુળ રહે. ભેહગામ તા. ગરબાડા જી. દાહોદ (૩) લખમણભાઇ ચનુભાઇ ભુરીયા (ઉ.ર૭) ધંધો મજૂરી રહે. ભે-ગામ તા. ગરબાડા જી. દાહોદની પુછપરછ કરતા ૪૧ ચોરીઓ કરેલની કબુલાત કરેલ છે.

મજકુર ત્રણેય ઇસમોએ ગુજરાત રાજયના જામનગર, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, સુરેન્દ્રનગર, અમરેલી, અમદાવાદ, ભરૂચ, ગાંધીનગરમાં તથા મધ્યપ્રદેશના ગરબડા જીલ્લામાં અલગ અલગ જગ્યાએથી રોકડ રૂપિયા, સોના ચાંદીના દાગીના, વિગેરેની ચોરી કરેલ છે. હાલ તપાસમાં દરમ્યાન વધુ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે એલ. સી. બી. દ્વારા પ્રયત્નો ચાલુમાં છે.

મજકુર આરોપીઓ મંદિરના તાળા તોડી તેમજ બંધ રહેણાંક મકાન તથા ફેકટરીના તાળા તોડી રાત્રી દરમ્યાન ચોરીઓને અંજામ આપતા હતા.

આ કાર્યવાહી પો. ઇન્સ. એસ. એસ. નિનામા નાઓની સુચનાથી પો. સ. ઇ. આર. બી. ગોજીયા, કે. કે. ગોહીલ, બી. એમ. દેવમુરારી, તથા એલ. સી. બી.ના માંડણભાઇ વસરા, અશ્વિનભાઇ ગંધા, હરપાલસિંહ સોઢા, ફીરોજભાઇ દલ, વનરાજભાઇ મકવાણા, રઘુવીરસિંહ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, નિર્મળસિંહ એસ. જાડેજા, હરદિપભાઇ ધાધલ, યશપાલસિંહ જાડેજા, ધાનાભાઇ મોરી, નાનજીભાઇ પટેલ, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, હીરેનભાઇ વરણવા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, એ. બી. જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી.

(11:31 am IST)