Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

બામણબોર પાસે મમરા-ભુસાની ગુણીઓ પાછળ છુપાવેલો ૧૭ લાખનો દારૂ ભરેલો ટ્રક એરપોર્ટ પોલીસે પકડી લીધો

એરપોર્ટ પોલીસે હરિયાણાના સોનીપતના શખ્‍સને પકડયોઃ હરિયાણાના દિપક જાટનું નામ ખુલ્‍યું: પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર અને ટીમની કોન્‍સ. મહાવીરસિંહની બાતમી પરથી કામગીરીઃ ૧૬.૯૯ લાખનો દારૂ અને ૯ લાખનો ટ્રક મળી કુલ રૂા. ૨૬ લાખનો મુદ્દામાલ કબ્‍જે : તહેવાર ટાણે બૂટલેગરો પ્‍યાસીઓને ધરવી દેવાના મૂડમાં: સામે પોલીસની પણ ચાંપતી નજર

રાજકોટ તા. ૨૭: દિવાળીના તહેવાર પર નાના મોટા બૂટલેગરો મેદાને આવી ગયા છે અને પ્‍યાસીઓને ધરવી દેવા સતત માલ ઠલવવા પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેર અને જીલ્લાની પોલીસ પણ બૂટલેગરોને ભરી પીવા તૈયાર છે. વધુ એક દરોડામાં એરપોર્ટ પોલીસે બામણબોર નજીકથી રૂા. ૧૬,૯૯,૨૦૦નો ૪૨૪૮ બોટલ દારૂ ભરેલો ટ્રક ઝડપી લઇ દારૂ, ટ્રક મળી રૂા. ૨૬,૦૩,૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી હરિયાણાના શખ્‍સને દબોચી લીધો છે. માલ મોકલનાર તરીકે પણ હરિયાણાના શખ્‍સનું નામ ખુલતાં તપાસ હાથ ધરવામાં આવી છે.
દિવાળીના તહેવાર અંતર્ગત મોડી રાત્રીના એરપોર્ટ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમાને બાતમી મળી હતી કે હરિયાણા પાસીંગનો ટ્રક મમરાની ગુણીઓ ભરીને આવી રહ્યો છે. આ ગુણીઓ પાછળ દારૂનો જથ્‍થો સંતાડેલો છે. આ બાતમી પરથી બામણબોર પાસે એરપોર્ટ ચેકપોસ્‍ટ પર વોચ રાખવામાં આવતાં બાતમી મુજબ એચઆર૬૫-૭૯૯૬ નંબરનો ટ્રક નીકળતાં તેન અટકાવી તલાશી લેતાં પાછળ મમરાની ગુણીઓ અને જીરાના ભુસાની ગુણીઓ ભરી હતી. પોલીસને દારૂની બાતમી મળી હોઇ આ ગુણીઓ હટાવીને જોતાં પાછળ છુપાવેલો ૩૫૪ પેટી (૪૨૪૮ બોટલ) દારૂ મળી આવતાં રૂા. ૧૬,૯૯,૨૦૦નો દારૂ તથા ૯ લાખનો ટ્રક, ૧૫૦ નંગ જીરાના ભુસાની બોરી, ૪૦ નંગ મમરાની બોરી મળી રૂા. ૨૬,૦૩,૭૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી ટ્રક ચાલક પ્રવશ ઓમપ્રકાશ ધાનક (ઉ.વ.૩૬-રહ. સિસાણા-૨, તા. ખરખોદા જી. સોનીપત (હરિયાણા)ની ધરપકડ કરી હતી.
જ્‍યારે અન્‍ય આરોપી દિપક બલરાજ જાટ (ઉ.૨૮-રહે. ગઢી ગામ તા. ખરખોદા જી. સોનીપત)નું મોકલનાર તરીકે નામ ખુલતાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એસ. આર. ટંડેલની સુચના હેઠળ પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ વી. સી. પરમાર, હેડકોન્‍સ. કેશુભાઇ વાઝા, વિક્રમસિંહ સોલંકી, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ ચુડાસમા, યશપાલસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, કનુભાઇ ભમ્‍મર અને ઇરશાદભાઇ જન્‍નરે આ કામગીરી કરી હતી.

 

(11:31 am IST)