Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ટૂંક સમયમાં ખંભાળીયા-બોટાદ અને વેરાવળમાં મેડીકલ કોલેજ શરૂ થશે

બે વર્ષમાં ૮ મેડીકલ કોલેજો શરૂ કરવા સરકારની તૈયારીઃ ૧૨૦૦ બેઠકો વધશે : મોરબી-ગોધરા-પોરબંદરમાં ૨૦૨૧-૨૨થી શરૂ થશે મેડીકલ કોલેજઃ ૧૫૦-૧૫૦ બેઠકો હશેઃ એનએમસીનું ઈન્સ્પેકશન પુરૂ

નવી દિલ્હી, તા. ૨૭ :. આવતા બે વર્ષમાં ગુજરાત સરકાર રાજ્યમાં ૮ નવી મેડીકલ કોલેજો શરૂ કરવા માંગે છે. આ સાથે એમબીબીએસની ૧૨૦૦ બેઠકો વધી જશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

હાલ ગુજરાતમાં ૩૦ કોલેજો છે અને તેમા ૫૫૦૮ બેઠકો છે. સૂત્રો જણાવે છે કે ૨૦૨૧-૨૨માં જ મોરબી, ગોધરા અને પોરબંદરમાં નવી મેડીકલ કોલેજો શરૂ થઈ જશે. આ માટે નેશનલ મેડીકલ કમીશનનું ઈન્સ્પેકશન પણ થઈ ગયુ છે. આ ત્રણેયમાં ૧૫૦ - ૧૫૦ બેઠકો હશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના આરોગ્ય વિભાગનું આયોજન છે કે નવા શૈક્ષણિક વર્ષથી રાજપીપળા, નવસારી, જામખંભાળીયા, બોટાદ અને વેરાવળમાં મેડીકલ કોલેજો શરૂ કરી દેવી.

રાજ્ય સરકારની નેમ છે કે દરેક જીલ્લામાં એક મેડીકલ કોલેજ હોવી જોઈએ. આ માટે વિભાગે જ્યાં નથી તે જીલ્લામાં ઓછામાં ઓછી ૭ વધારાની કોલેજો શરૂ કરવી. કેન્દ્ર સરકાર પણ ઈચ્છે છે કે આવતા ૫ વર્ષમાં દેશના દરેક જીલ્લામાં એક મેડીકલ કોલેજ હોવી જોઈએ. કેન્દ્ર સરકારે ૨૦૧૪થી ૧૫૭ નવી મેડીકલ કોલેજોને લીલી ઝંડી આપી છે અને આ માટે સરકાર રૂા. ૧૭૬૯૧.૦૮ કરોડનું રોકાણ કર્યુ છે.

આ બધુ પુરૂ થતાં લગભગ ૧૬૦૦૦ અંડર ગ્રેજ્યુએટ મેડીકલ બેઠકો ઉમેરાશે. આમાંથી ૬૫૦૦ બેઠકો ૬૪ નવી મેડીકલ કોલેજોની સ્થાપના સાથે ઉભી થઈ ગઈ છે.

એનએમસી આવતા વર્ષ પહેલા અંડર ગ્રેજ્યુએટ મેડીકલ બેઠકો ૮૨૫૦૦થી વધારીને ૧ લાખ કરવા તૈયારી કરી રહેલ છે. દેશમાં ૫૫૦ મેડીકલ કોલેજો છે જેમાંથી ૪૯ ટકા સરકારી અને બાકીની પીપીપી કે સેલ્ફ ફાઈનાન્સ છે.

(3:18 pm IST)