Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગિરનાર રોપ-વે ટીકીટનાં ભાવ ઘટાડવા વડાપ્રધાન-મુખ્યમંત્રી સુધી રજુઆત

કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, વિરોધપક્ષના દંડક વિજયભાઇ વોરા, શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયાએ પત્ર પાઠવ્યા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ર૭: ગિરનાર રોપ-વેને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખુલ્લો મુકયો છે. પરંતુ ગિરનાર રોપ-વેની ટીકીટ રૂ. ૭૦૦ અને રૂ. ૩પ૦ રાખવામાં આવી છે. આ મુદ્દે વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને રજુઆત કરી છે.

આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે હાલ જુનાગઢ ખાતે નવનિર્મિત ગીરનાર રોપ-વેની ટીકીટનાં દર ખુબ જ ઉંચા હોય આમ જનતાને પરવડે તેમ ન હોય સ્થાનીક લેવલે ખુબ જ વિરોધનો સુર ઉભો થયો છે. વિવિધ મીડીયા-સોશ્યલ મીડીયા તેમજ અમોને રૂબરૂ થયેલ આમ જનતાની રજુઆતને ધ્યાને લઇ મધ્યમ વર્ગને પોષાય એ મુજબનો ટીકીટ દરમાં ઘટાડો કરવો જરૂરી છે.

હાલ પાવાગઢ રોપ-વેનો ટીકીટ દર અંદાજે રૂ.૧પ૦ આસપાસ છે. પાવાગઢ કરતા ગીરનાર રોપ-વે ૩ ગણો મોટો છે. પરંતુ ટીકીટના દર છ ગણા હોવાથી માધ્યમ વર્ગને બિલકુલ પોષાય એમ ન હોય રૂ. ૩૦૦ આસપાસ ટીકીટના દર રાખવા અંતમાં  ભીખાભાઇ જોષીએ માંગણી કરી છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાને પત્ર પાઠવીને વિરોધપક્ષના દંડક વિજયભાઇ વોરાએ રોપ-વે ટીકીટ મુદ્દે રજુઆત કરી છે.

જુનાગઢ મહાનગરપાલિકા હદમાં આવેલ ગરવા ગીરનારની ગોદમાં પ્રધાન મંત્રી સાહેબ તથા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા તા. ર૪-૧૦-ર૦ર૦ના રોજ એશીયાનો સૌથી મોટો પ્રોજેકટ રોપ-વે કાર્યાન્વીત કર્યો છે ત્યારે આપ સાહેબશ્રીને એક જૈન તરીકે જણાવુ છુ કે રોપ-વે ની ટિકીટ ૭૦૦ રૂપિયા રીટર્ન સાથે રાખેલ છે તેમજ તા. ૧૪ મી નવેમ્બર પછી તો આ ભાવ ૮૦૦ થી પણ વધુ થશે જે ખુબ જ વધુ હોય તેમજ આ ટિકીટ અંબાજી પાવાગઢ (ગબ્બર) કરતા ૬ ગણી છે. જેના કારણે સામાન્ય માણસોનું અંબાજી માતાજીના દર્શનનું સ્વપ્ન તો સ્વપ્ન જ રહેશે. જુનાગઢ વાસીઓને ખાસ કોઇ કન્સેશન આપવુ જોઇએ. તેમજ અંધ-હેન્ડીકેપ વ્યકિતઓને ૧પ૦ રૂપિયા ભાવ રાખવા એ ખૂબ જ જરૂરી છે. જેથી કોઇ સંસ્થા કે ટ્રસ્ટ કે કોઇ દાનવીર આવા લોકોને આ ટીકીટના દરમાં માતાજીના દર્શન કરાવી શકે તેમજ જુનાગઢ વાસીઓ માટે આવવા જવાનો ભાવ ૪પ૦ કરવો જોઇએ. તેમજ હાલ રોપ-વે ને કારણે મોટી સંખ્યામાં આવતા દર્શનાર્થીઓ માટે ઉપરના ભાગે ટોઇલેટ બાથરૂમ, પાણી અને બેસવાની સુવિધા તેમજ અન્ય આનુસંગીક સુવિધાઓનો અભાવ જોવા મળેલ છે.

તેમજ જો ગુરૂદતની ટૂંક સુધી તેમજ અંબાજી માતાજીના મંદિરની નીચે આવેલ જૈન દેરાસર સુધી પણ રોપ-વે ની સુવિધાઓ આપવામાં આવે તો ખૂબ જ મોટો વર્ગ આ સુવિધાઓનો લાભ લઇને પોતાની ધાર્મિક લાગણીઓ સંતોષી શકશે.

જુનાગઢ મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા નટુભાઇ પટોડીયાએ જણાવ્યું છે કે, જુનાગઢ ગરવા ગીરનારની ગોદમાં જે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા જુનાગઢ વાસીઓનું વર્ષો જુનુ સપનું હતું તે જુનાગઢને રોપ-વે નું એક નવું નજરાણુ આપેલ છે. તેમાં જુનાગઢ મહાનગર દ્વારા માન. વડાપ્રધાનશ્રી તથા માન. મુખ્યમંત્રીશ્રીને ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા અમો ખૂબ જ આનંદ અને આભારની લાગણી વ્યકત કરીએ છીએ. તેમજ અમારા વતી ઉષા બ્રેકો કંપનીને વિનંતી છે કે રોપ-વે ની ટીકીટના જે દરો નકકી કરેલ છે તે ખુબ વધારે પ્રમાણમાં હોય, જેના કારણે સામાન્ય માણસોનું અંબાજી માતાના દર્શનનું સ્વપ્ન તો સ્વપ્ન જ રહેશે. તેથી અમારી ઉષા બ્રેકો કંપની પાસે લાગણી અને માગણી છે કે, મહાનગર જુનાગઢના ગરવા ગીરનારની ગોદમાં આવેલ છે. તો જુનાગઢના લોકોને રાહત આપો તો મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના લોકો તથા વૃધ્ધાશ્રમ રહેતા વૃધ્ધ લોકો તથા વિકલાંગ ટ્રસ્ટમાં રહેતા વિકલાંગ બાળકો આ ગીરનારની ગોદમાં બીરાજતા અંબાજી માતાજીના દર્શનનો લાભ લઇ શકે અથવા તો જનરલ ભાવ ઘટાડો કરી આપવામાં આવે તો ઉષા બ્રકો કંપનીને પણ વધારે લાભ મળશે. તેમજ ઓછા ભાવ રાખવામાં આવે તો મધ્યમ વર્ગ તથા ગરીબ વર્ગના વધારે લાભાર્થીઓને ઓછા ભાવમાં લાભ મળી શકશે તેવી અમારી અંતરની લાગણી છે.

(1:14 pm IST)