Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભાવનગરમાં N.D.R.F. દ્વારા કોવિડ-૧૯ અંગે જનજાગૃતિ રેલી યોજાઇ

વડોદરા N.D.R.F. દ્વારા ભાવનગરમા કોરોના મહામારી અંતર્ગત લોકોમા જાગૃતિ વધે તે માટેની જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જે રેલી દ્વારા જિલ્લા કલેકટર કચેરીથી શરૂ થઇ શહેરના ભીડભંજન ચોક, રૂપમ ચોક, મેઇન બજાર, ખારગેટ, દાણાપીઠ, રેલ્વે સ્ટેશન રોડ, શેલારશાહ ચોક, જશોનાથ ચોક, મોતીબાગ સહિતના વિસ્તારોમા ફરી લોકોને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગે જાગૃત કરવાનો પ્રેરક પ્રયાસ કરાયો હતો. આ રેલીનુ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ તેમજ ઉપસ્થિત સૌ કોઇને કોરોના અંતર્ગત રાખવાની તકેદારી અંગેના શપથ લેવડાવ્યા હતા. આ તકે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે રાજય સરકારના પ્રયાસોથી ગુજરાતમા કોરોનાનુ સંક્રમણ ઘટયુ છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામા છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસોમા નોંધપાત્ર ધટાડો જોવા મળી રહ્યો છે. અનલોક થતા હવે આપણે પુર્વવત સ્થિતિમા છીએ ત્યારે આવા સમયને લોકો હળવાશથી લે અથવા તો નિષ્કાળજી દાખવે તેવુ બની શકે છે. આથી કોરોના આપણી વચ્ચે જ છે તે હજુ ગયો નથી જે બાબત ધ્યાને લઇ લોકો સેનિટાઇઝરનો ઉપયોગ કરે, માસ્ક પહેરે તેમજ સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવે તે ખૂબ જરૂરી છે. સહેજ પણ બેદરકારી આપણા માટે જોખમી સાબિત થઇ શકે છે તેથી લોકોને વારંવાર જાગૃત કરવા પણ એટલા જ જરૂરી છે. જે માટે N.D.R.F. ટીમ દ્વારા આ રેલીનુ આયોજન હાથ ધરી પ્રશંશનીય કાર્ય હાથ ધરવામાં આવ્યુ છે. આ રેલીમા N.D.R.F.ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ખટાણા, ઇસ્પેકટર દલજીતસિંઘ, જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શંભુસિહ સરવૈયા, ડી.પી.ઓ. ડિમ્પલ તેરૈયા, N.D.R.F.ના ૨૨ સભ્યોની ટીમ, ૨૦ આપદા મિત્રો સહિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:10 am IST)