Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

મગફળીમાં સરકારે ટેકાના ભાવ જાહેર કરતા તળાજા યાર્ડમાં આવક ઘટી

વચેટીયા પ્રથાથી ખેડૂતોને લાભ નથી થતો

ભાવનગર તા ૨૭ : ખેતી પ્રધાન તળાજા વિસ્તારમાં મગફળી ના મબલખ વાવેતરના પગલે માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા દસેક દિવસથી પાંચ થી સાત હજાર ગુણી મગફળીની આવક થઇરહી હતી. પરંતુ સરકારે જાહેર કરેલ ટેકાના ભાવ ને લઇ આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો. ઓઇલ મિલરોનું કહેવું છે કે ધીરે ધીરે કરતા ડબે ચારસો રૂપિયાનો વધારો થશે. તો ખેડૂતો ભાવંતર યોજના લાગુ પાડવાનું સરકારને કરી રહી છે.

ચોમાસુૅ મગફળીની આવક તળાજા માર્કેેટીંગ યાર્ડમાં છેલ્લા પખવાડીયા થી થઇ રહી છે. યાર્ડના સેક્રેટરી ભરતભાઇ બારૈયા ના જણાવ્યા પ્રમાણે આજ સુધીમાં યાર્ડમાં આશરે પચાસ હજાર ગુંણી મગફળીની આવક અને વેંચાણ થયેલ છે. અહીં યાર્ડમાં મુખ્યત્વે શીંગ મગડી અને જી-૨૦ નીઆવક થાય છે. ગઇકાલે શીંગ મગડીની ૩૫૦૦ અને શીંગ જી-૨૦ ની ૧૫૦૦ ગુણી મળી પાંચ હજાર ગુણીની આવક થઇ હતી.

ઓઇલ મિલર વિરભદ્રસિંહ વાળા ના જણાવ્યા પ્રમાણે સરકારે જાહેર કરેલા ટેકાના  ભાવની અસર આવક,ભાવ બંનેમાં જોવા મળી હતી. ગઇકાલ કરતાં ભાવમાં મણે પચાસ રૂપિયા નો ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. જી-૨૦ ૮૫૦ થી ૯૦૦, ૯૭૦ રૂપિયા સુધી જી-પ અને મગડી રૂ ૧૦૬૪ સુધી વેચાઇ હતી. ગઇકાલ સુધી પાંચ થી સાત હજાર ગુણીની આવક હતી તેના બદલે આજે ત્રણ હજારથી પાંત્રીસો ગુણીની આવક થઇ હતી. ઓઇલ મિલરે ઉમેર્યુ હતું કે સરકારે જાહેર કરેલ ટેકાના ભાવને જોતા આવનાર તહેવારો બાદ ધીરેધીરે ડબાના ભાવમાં વધારો થશે. વર્તમાન સમયે ... ૧૬૦૦ નો ડબો ૨૦૦૦ એ પહોંચી જશે. યાર્ડમાં આવેલ ખેડૂતોની લાગણી સાંભળવા મળી હતી કે ટેકાના ભાવો કરતા ભાવાંતર યોજના લાગુ કરીને મગફળી પકવી હોય તેવા તમામ ખેડૂતોને લાભ આપવામાં આવે. (૩.૧)

 

(11:58 am IST)