Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

નરસિંહ મહેતા યુનિવર્સિટીનો યુવક મહોત્‍સવ યોજાયો

અલગ અલગ ૩૪ સ્‍પર્ધાઓમાં ૬૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો

જૂનાગઢ,તા. ૨૭ : વિદ્યાર્થીઓમાં કલા, સંસ્‍કૃતિ અને સર્જનાત્‍મકતા ઉજાગર થાય તે હેતુથી આઝાદી કા અમૃત મહોત્‍સવ નિમિતે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ તેમજ પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત યુ. કે. વાછાણી મહિલા આર્ટસ એન્‍ડ હોમસાયન્‍સ કોલેજ, કેશોદના સયુંકત ઉપક્રમે ‘અવસર-૨૦૨૨' શીર્ષક હેઠળ યોજાયેલ બે દિવસીય યુવક મહોત્‍સવનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં અલગ અલગ ૩૪ સ્‍પર્ધાઓમાં ૬૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાનું કૌવત ઝળકાવ્‍યું હતું.  જેમાંથી વિવિધ સ્‍પર્ધાઓમાં એક થી ત્રણ સુધીનો ક્રમ મેળવનાર સ્‍પર્ધકોએ યુવાધનની ચીંચીયારીઓ વચ્‍ચે ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ઇનામી ટ્રોફીઓ મેળવી હતી.

સમાપન સમારોહમાં અધ્‍યક્ષસ્‍થાનેથી બોલતા ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્‍તિઓ રાષ્ટ્રસેવા અર્થે બહાર આવે તે માટે યુવક મહોત્‍સવ એક ઉત્તમ પ્‍લેટફોર્મ છે. યુવક મહોત્‍સવથી યુવાધનમાં સ્‍પોર્ટસમેન સ્‍પીરીટ વિકસે છે, જેને કારણે મૂલ્‍યનિષ્ઠ જીવનનું ઘડતર થાય છે. વિદ્યાર્થીઓના હિત માટે ભક્‍તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી સદાય તત્‍પર હોવાનું અંતમાં જણાવ્‍યું હતું.

મુખ્‍ય મહેમાનપદે હાજર રહેલ ગુજરાતના રાજયકક્ષાના પશુપાલન મંત્રીશ્રી દેવાભાઈ માલમે જણાવ્‍યું હતું કે આજનું યુવાધન તમામ ક્ષેત્રે પોતાની કાબેલીયત પુરવાર કરીને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપે તે માટે સરકાર સતત પ્રોત્‍સાહન આપી રહી છે. યુવાનોને શિક્ષણ સાથે રોજગારીની તકો પણ પ્રાપ્ત થાય તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ હોવાનું મંત્રીશ્રી દેવાભાઈ માલમે જણાવ્‍યું હતું. યુવક મહોત્‍સવના સફળ આયોજન બદલ તેઓએ કુલપતિશ્રી પ્રો.(ડો.)ચેતનભાઈ ત્રિવેદીને અભિનંદન પણ આપ્‍યા હતા. શાષાીશ્રી ડો.મહાદેવપ્રસાદ મહેતાએ પોતાના ઉદ્‌્‌બોધનમાં જણાવ્‍યું હતું કે ભારતમાં આજે ખુબ મોટી માત્રામાં યુવાધન રહેલું છે ત્‍યારે શિક્ષણની સાથે સાથે સાંસ્‍કૃતિક પ્રવૃતિઓમાં ભાગ લેવો પણ અનિવાર્ય છે. જેને કારણે યુવાધન ભારતની ભવ્‍ય-પ્રાચીન કલા-સંસ્‍કૃતિને જાણી માણી શકે યુનિવર્સિટીનો ચતુર્થ યુવક મહોત્‍સવ ખરા અર્થમાં યુવાધનમાં થનગનાટ ઉત્‍પન કરનારો નિવડ્‍યો હોવાનું અંતમાં જણાવ્‍યું હતું. આ ઉપરાંત જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, યુનિવર્સિટીના સરકાર નિયુક્‍ત સિન્‍ડીકેટ સભ્‍યો ભાવનાબેન અજમેરા, ડો.જીવાભાઈ વાળા, ડો.જયભાઈ ત્રિવેદી, પટેલ વિદ્યાર્થી આશ્રમના કેમ્‍પસ ડાયરેક્‍ટર ભરતભાઈ વડારીયા વિગેરેએ પ્રવચનો કર્યા હતા. જુનાગઢ જીલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન દિનેશભાઈ ખટારીયા, સંસ્‍થાના પ્રમુખશ્રી જયેશભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્‍ય અરવિંદભાઈ લાડાણી, કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલિયા, કેશોદ શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ ભાલાળા, યુનિવર્સિટીના સાંસ્‍કૃતિક વિભાગના કોઓર્ડિનેટર ડો.વિશાલભાઈ જોશી, દલસુખભાઈ મારડીયા, બેચરભાઈ અઘેરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. સમારોહની શરૂઆતમાં સ્‍વાગત પ્રવચન યુનિવર્સિટીના રજીસ્‍ટ્રારશ્રી ડો.મયંક સોનીએ કર્યું હતું તથા અંતમાં આભારવિધિ યુ.કે.વાછાણી મહિલા કોલેજ, કેશોદ કગથરાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ડો.પરાગભાઈ દેવાણીએ કર્યું હતું.

(4:52 pm IST)