Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ભુજમાં માતાના મઢ ખાતે માં આશાપુરાના દર્શન કરીને લોક કલ્‍યાણ માટે પ્રાર્થના કરતાં વિધાનસભા અધ્‍યક્ષ ડો. નીમાબેન આચાર્ય

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૬ :  વિધાનસભા અધ્‍યક્ષા ડૉ.નીમાબેન આચાર્યે માતાના મઢ જઈ રહેલા પદયાત્રાળુઓની સેવા માટેના વિવિધ કેમ્‍પની મુલાકાત લઈને મા આશાપુરાના દર્શન કર્યા હતા. વિધાનસભા અધ્‍યક્ષશ્રીએ માતાના મઢ ખાતે મા આશાપુરાના દર્શન કરીને લોક કલ્‍યાણ માટે પ્રાર્થના કરી હતી. અધ્‍યક્ષએ માધાપરથી માતાના મઢ સુધીના રસ્‍તામાં સેવા અર્થે શરૂ કરાયેલા વિવિધ કેમ્‍પની મુલાકાત લઈને યાત્રાળુઓની માં જગદંબા પ્રત્‍યેની શ્રદ્ધાને વંદન કર્યા હતા.તેઓએ વર્ષોથી સેવા અર્થે કેમ્‍પનું આયોજન કરનાર વિવિધ સંસ્‍થાઓ, ગ્રુપ અને સેવાભાવી લોકોની પદ યાત્રાળુઓની સગવડ માટેની કામગીરીને બિરદાવી હતી. માધાપરથી માતાના મઢ સુધીના રસ્‍તામાં અધ્‍યક્ષાશ્રીએ પદયાત્રાનું અભિવાદન ઝીલીને તેમની આસ્‍થાને પ્રણામ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ મુલાકાત દરમિયાન અધ્‍યક્ષા  સાથે અબડાસાના ધારાસભ્‍ય પ્રદ્યુમનસિંહ જાડેજા પણ જોડાયા હતા.

 અધ્‍યક્ષાએ માધાપર ખાતેના કેમ્‍પ, ગુજરાત ફર્સ્‍ટ કેમ્‍પ, નમો કેમ્‍પ, પત્રકાર મંડળ કેમ્‍પ, આશાપુરા ચોસઠ બજાર કેમ્‍પ, જય મઢવાળી માં ગ્રુપ કેમ્‍પ, દેવપુર ગઢ નવ યુવક મંડળ કેમ્‍પ, મથલ મા આશાપુરા કેમ્‍પ, વિરાણી કેમ્‍પ, ભાભર મા આશાપુરા કેમ્‍પ સહિત પદયાત્રાળુઓની સેવા માટે ઊભા કરાયેલા વિવિધ કેમ્‍પની મુલાકાત લીધી હતી. યાત્રાળુઓ માટે ભોજન, મેડિકલ વગેરે સેવાઓનું અધ્‍યક્ષાએ નિરીક્ષણ કરીને સંતોષ વ્‍યક્‍ત કર્યો હતો તેમજ આ સેવાભાવી કામગીરીને આગામી સમયમાં પણ શરૂ રાખવા પ્રોત્‍સાહન આપ્‍યું હતું. અબડાસાના ધારાસભ્‍ય  પ્રદ્યુમનસિંહ જાડેજા સહિત અન્‍ય આગેવાનોની સાથે અધ્‍યક્ષાએ કેમ્‍પમાં જ પ્રસાદ લીધો હતો.

 આ  પ્રસંગે પાણી સમિતિના ચેરમેન  ઘનશ્‍યામભાઈ સી. ઠક્કર, બાંધકામ સમિતિના ચેરમેન મનુભા જાડેજા, રાજા બાવા યોગેન્‍દ્રસિંહજી, પ્રવિણસિંહ વાઢેર, અગ્રણી  હિતેશભાઈ ગણાત્રા, વિનુભાઈ ઠક્કર, દેવરાજભાઈ ગઢવી, શરદભાઈ, જયેશ બાપા, હેમલભાઈ માણેક, સુરેન્‍દ્રસિંહ જાડેજા સહિત શિવ શક્‍તિ મિત્ર મંડળ, મોમાઈ માતાજી મિત્ર મંડળ, બાપા દયાળુ ગ્રૂપના સભ્‍યો સાથે સેવાભાવી સંસ્‍થાઓના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:59 am IST)