Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જસદણના આલણસાગર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાતા વિરોધ : બે ગામના ખેડૂતોએ આવેદનપત્ર આપ્‍યું

આ ડેમમાં ૨૯ ફૂટ પાણી ભરેલું છે છતાં સૌની યોજનાનું પાણી છોડાતા ખેડૂતો આકરા પાણીએ : બાખલવડ ગામે થોડા દિવસ પહેલા થયેલ કોળી સમાજના મહાસંમેલનનોખાર રાખી પાણી છોડવામાં આવ્‍યું હોવાના આક્ષેપો

(કરશન બામટા દ્વારા) આટકોટતા. ૨૭ : જસદણ શહેરના જીવાદોરી સમાન ગણાતા અને ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતા બાખલવડ ગામના આલણસાગર ડેમમાં હાલ કુદરતની મહેરબાનીના લીધે ૨૯ ફૂટ જેટલું પાણી ભરેલું છે. આ ડેમ ૩૨ ફૂટે ઓવરફલો થાય છે અને જો આગામી દિવસોમાં સારો વરસાદ થશે તો આ ડેમ ઓવરફલો થાય તેમ છે. છતાં જેતે જવાબદાર તંત્ર દ્વારા આ આલણસાગર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડી દેવામાં આવતા જસદણ તાલુકાના બાખલવડ અને દેવપરા ગામના ખેડૂતોએ તાત્‍કાલિક સૌની યોજનાનું પાણી બંધ કરવાની માંગ સાથે જસદણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્‍યો હતો. આ તકે જસદણ તાલુકા બાખલવડ અને દેવપરા ગામના ૧૦૦ જેટલા ખેડૂતોએ ભેગા મળી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્‍યું હતું. જો આ સૌની યોજનાનું પાણી તાત્‍કાલિક ધોરણે બંધ નહીં કરવામાં આવે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં સરકાર તેનું પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવું ખેડૂતોએ જણાવતા તંત્ર મુંજવણમાં મુકાઈ ગયું હતું.

ચોમાસા દરમિયાન આલણસાગર ડેમ નજીકના બાખલવડ અને દેવપરા ગામની ૮૫ ટકા જમીન ડૂબમાં જ હોય છે. હાલ આ ડેમમાં ૨૯ ફૂટ જેટલી જળરાશી પણ છે. છતાં જેતે તંત્ર દ્વારા ડેમમાં સૌની યોજનાનું પાણી છોડી દેવાતા ખેડૂતો ભારે મુંજવણમાં મુકાઈ ગયા હતા. થોડા દિવસ પહેલા જસદણના બાખલવડ ગામે કોળી સમાજનું મહાસંમેલન યોજાયું હતું. જેનો ખાર રાખીને સરકાર દ્વારા સૌની યોજનાનું પાણી છોડવામાં આવ્‍યું હોવાના ઉપસ્‍થિત ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.

જો કે બાખલવડના સરપંચ ગોપાલભાઇ પલાળીયા કહે છે કે, ગામના ડેમમાં હાલ ૨૯ ફૂટ જેટલું પાણી ભરેલું છે. ગામના ૮૫ ટકા ખેડૂતોની જમીન અત્‍યારે ડૂબમાં ગયેલી છે. હવે અમુક જ ખેડૂતોને થોડીક જમીન વાવવા જેવી રહી છે. પરંતુ અત્‍યારની સરકાર જોઈ શકતી ન હોય તેમ ખેડૂતોની બધી જમીન ડૂબાડવા માંગતી હોય તેવું લાગે છે. આ પાણી કોના કહેવાથી છોડવામાં આવ્‍યું તે સરપંચને કે પ્રાંત અધિકારી સહિતને પણ ખબર નથી. આ રાજકીય ષડ્‍યંત્ર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે થોડા દિવસ પહેલા ગામમાં કોળી સમાજનું મહા સંમેલન યોજાયું હતું જેનો ખાર રાખી આ ષડ્‍યંત્ર કરાયું હોય તેવું લાગે છે. આવું કરવાથી તેઓને એવું લાગે છે કે આ બન્ને ગામના લોકો મારી પાસે આવે. જો અમને ન્‍યાય નહી મળે તો અમે આંદોલન પર બેસીશું અને સરકારને આના ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે.

જ્‍યારે વિનુભાઇ સદાદીયા (સરપંચ દેવપરા ગામ) કહે છે કે, આ ડેમના કાંઠે બાખલવડ અને દેવપરા ગામના ખેડૂતોની જમીન આવેલ છે. તેમાં કુદરતના આધારે ડેમમાં ૨૯ ફૂટ પાણી ભરાઈ ગયું છે. છતાં ડેમમાં સૌની યોજનાનું પાણી નંખાતા ખેડૂતો મુશ્‍કેલીમાં મુકાઈ ગયા છે. જેથી તાત્‍કાલિક ધોરણે સૌની યોજનાનું પાણી બંધ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. જો વહેલી તકે આ પાણી બંધ કરવામાં નહી આવે તો ખેડૂતોની બધી જમીન ડૂબી જશે. જો સાંજ સુધીમાં પાણી બંધ નહીં કરાય તો બન્ને ગામના ખેડૂતો ભેગા મળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર આંદોલન કરીશું.

(11:49 am IST)