Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

વાંકાનેરના માટેલ ધામમાં સાંજે આવતી એસટી બસ સમયસર પહોંચે તેવી બન્ને ડીવીઝનમાં રજુઆત કરતા મહંતશ્રી રણુબાપુ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા.,ર૭: વાંકાનેરથી ૧૮ કિલોમીટર દુર આવેલ માટેલધામ ખાતેમાં આઇશ્રી ખોડીયાર માતાજીના જયાં બેસણા છે ત્‍યાં દરરોજ આવતી એસટીની માટેલ-જુનાગઢ તેમજ માટેલ-સુરેન્‍દ્રનગર આ બન્ને ડીવીઝનની બસને  રાત્રી રોકાણ માટેલ ખાતે હોય છે. જે બસો સાંજે માટેલધામ સમય કરતા દરરોજ દોઢ બે કલાક મોડી પહોંચે છે.

જેના કારણે માંના દર્શને આવતા ભકતોને બસના કારણે સાંજની સંધ્‍યા આરતીનો લાભ પણ મળતો નથી. ઉપરાંત દર્શન કરી યાત્રીકોને પરત ફરવામાં પણ વાહન મેળવવામાં પારાવાર મુશ્‍કેલીઓ ભોગવવી પડે છે. ત્‍યારે અનેક દર્શનાર્થીઓને પડતી મુશ્‍કેલીને ધ્‍યાનમાં રાખી માટેલ ધામ મંદિરના મહંત શ્રી રણુભાઇ બાપુ દ્વારા જેતપુર ડેપો મેનેજર તથા સુરેન્‍દ્રનગર ડેપો મેનેજર તથા રાજકોટ અને સુરેન્‍દ્રનગર ડીવીઝન કચેરી ખાતે બસ સાંજે માટેલધામ સમયસર પહોંચે તેવી રજુઆત કરવામાં આવી છે.

આજથી શરૂ થતા આસો નવરાત્રીમાં યાત્રીકો સંધ્‍યા આરતીનો લાભ લઇ શકે માંના ચરણોમાં ચાલતા નવરાત્રીના અનુષ્‍ઠાનનો પણ લાભ લઇ શકે તે માટે ઉપરોકત બન્ને ડેપો દ્વારા સાંજે સમયસર બસો પહોંચાડે તેવી મહંતશ્રી તથા ઓફીસ ઇન્‍ચાર્જ જયેશભાઇ ત્રિવેદી એ પણ લેખીત તથા મૌખીક રજુઆત કરી છે.

હવે જોવાનું રહયું કે રજુઆત પછી પણ બન્ને ડેપોની બસો સમયસર પહોંચાડે છે. કેમ કે પછી જૈસે થે પરીસ્‍થિતિ જ રહેશે. આજથી નવરાત્રી મહોત્‍સવ શરૂ થતા માઇભકતોનો પ્રવાહ વધુ રહેતો હોવાથી સત્‍વરે એસ.ટી.તંત્ર ઘટતું કરે તેવી ભાવીક ભકતજનોએ માંગણી કરી છે.

(11:46 am IST)