Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

રાજકોટ જિલ્લા બેંકનો નફો ૬૧.૫૦ કરોડઃ સભાસદોને ૧ર ટકા ડીવીડન્‍ડઃ ખેત જાળવણીમાં ૧ર લાખ સુધી લોન

તબીબી સહાયમાં વધારોઃ મંડળીઓને કે.સી.સી. ધિરાણ પર ૧.રપ ટકા વ્‍યાજ માર્જીન : જયેશ રાદડિયાની જાહેરાત

રાજકોટ, તા.,  ૨૬: ગઇકાલે જામકંડોરણા ખાતે રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૬૩ મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન  શ્રી જયેશ રાદડીયાએ બેંકનો સને ર૦ર૧-ર૦રર ના વર્ષનો ચોખ્‍ખો નફો રૂા. ૬૧.પ૦ કરોડ થયાની અને સભાસદોને ૧૨ ટકા ડિવીડન્‍ડ આપવાની જાહેરાત કરી હતી.
છેલ્લા બે દાયકામાં રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્‍થાન અપાવનાર સહકારી ખેડુત નેતા શ્રી વિઠલભાઇ રાદડીયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર શ્રી જયેશ રાદડીયાએ બેંકની જામકંડોરણા ખાતે સભાસદોની હાજરીમાં ૬૩ મી વાર્ષિક સભામાં સંબોધન કરતા જણાવેલ કે ખેડુતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી  જ ખેડુતોએ આ બેંકને અદના આદમીની અડીખમ બેંક નામ આપ્‍યું છે. તેમણે ૧ર ટકા ડીવીડન્‍ડ અને તબીબી સહાયમાં વધારા સહીતની જાહેરાત કરી હતી.
બેંકની વિશિષ્‍ટ સિધ્‍ધીઓ
બેંક તરફથી  ખેડુતોને ર૦ર૧-રરના વર્ષમાં રૂા.૩,ર૪૯ કરોડનું ઝીરો ટકા વ્‍યાજ દરે કે.સી.સી. ધિરાણ તથા કિસાન ક્રેડીટ કાર્ડ ખેડુતોનો રૂા. ૧૦.૦૦ લાખનો અકસ્‍માત વિમો. ખેડુત સભાસદોને ગંભીર માંદગીના કિસ્‍સામાં રૂા. ૧ર હજારની સહાય. બેંકની મુખ્‍ય કચેરીમાં ર૪ કલાક લોકર ઓપરેટીંગ સેવા. બેંકની મુખ્‍ય કચેરીમાં સાંજના  ૩ થી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધી એકસ્‍ટેન્‍શન કાઉન્‍ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા વગેરેનો સમાવેશ થાય છે.
બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત બેસ્‍ટ પરર્ફોમન્‍સ એવોર્ડ મળેલ છે. નાફસ્‍કોબ તરફથી ચાર વખત એન્‍યુઅલ પરર્ફોમન્‍સ  એવોર્ડ તથા છેલ્લા દશ વર્ષની શ્રેષ્‍ઠ કામગીરી બદલ ડેકેડ એવોર્ડ દેશના ગૃહ તથા સહકાર મંત્રી શ્રી અમીતભાઇ શાહ હસ્‍તે મળેલ છે. નાબાર્ડ જેવી દેશની ટોચની સંસ્‍થા પણ અન્‍ય રાજયોની જીલ્લા બેંકોને રાજકોટ જીલ્લા બેંકના વહીવટી મોડેલનો અભ્‍યાસ કરવા મોકલે છે. વર્ષોથી બેંકનું નેટ એનપીએ ૦ ટકા અને વસુલાત ૯૯ ટકાથી ઉપર તેમ જયેશ રાદડીયાએ જણાવ્‍યું હતું.
રાજકોટ જિલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે આ બેંકે ખેડુતોને કે.સી.સી. ધિરાણમાં કરોડો રૂપીયાની વ્‍યાજ માફી આપવા ઉપરાંત મ.મુ. ખેતી વિષયક લોનમાં ખેડુતોને ૧ ટકા વ્‍યાજ રાહત તથા મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં ૧.પ૦ ટકા માર્જીન આપવા છતા રાજકોટ ડિસ્‍ટ્રીકટ બેંકે રૂા. ૧૬૦ કરોડનો ગ્રોસ નફો અને રૂા.૬૧.પ૦ કરોડનો ચોખ્‍ખો નફો કરેલ છે. આ બાબત જ બેંક અને ખેડુતો વચ્‍ચેનો મજબુત સંબંધોનો પુરાવો છે તેમ શ્રી રાદડીયાએ જણાવ્‍યું હતું.
બેંકના ચેરમેનશ્રીએ આજની સાધારણ સભામાં નીચે મુજબ જાહેરાતો કરી હતી.
(૧) સભાસદોની શેર મુડી ઉપર ૧ર ટકા ડીવીડન્‍ડ ચુકવાશે.
(ર) બેંક મારફત ધિરાણ લેતા ખેડુત સભાસદોને વિઠલભાઇ રાદડીયા મેડીકલ સહાય યોજના હેઠળ કેન્‍સર-કીડની-પત્‍થરી-પ્રોસ્‍ટેટ-હાર્ટએટેક-પેરેલીસીસ તથા બ્રેઇન હેમરેજ જેવા મેજર રોગમાં મેડીકલ સારવાર માટે રૂા. ૧૨,૦૦૦ ની સહાય ચુકવવામાં આવે છે તેમાં વધારો કરી રૂા. ૧પ,૦૦૦ની સહાય અપાશે.
(૩) ખેત જાળવણી લોનમાં રૂા. ર.૦૦ લાખનો વધારો કરી મહતમ રૂા. ૧૨.૦૦ લાખ સુધીની લોન યોજના.
(૪) મંડળીઓને કે.સી.સી. ધિરાણ ઉપર વર્ષ ૨૦૨૨-૨૩ માટે ૧.રપ ટકા વ્‍યાજ માર્જીનની જાહેરાત કરેલ જેથી મંડળીઓને વધારાના રૂા. ૮.પ૦ કરોડ જેવી વ્‍યાજ આવક મળશે.
સાધારણ સભામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, કૃષીમંત્રી રાઘવજી પટેલ, પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા  વગેરેએ પ્રાસંગીક પ્રવચનો કર્યા હતા.
જીલ્લા બેંક ઉપરાંત રાજકોટ ડેરી, જીલ્લા ખરીદ વેચાણ સંઘ, જીલ્લા કોટન માર્કેટીંગ યુનીટ, જીલ્લા સહકારી પ્રકાશન બેંક કર્મચારી સહકારી મંડળી વગેરે સંસ્‍થાઓની સામાન્‍ય સભા પણ યોજાઇ હતી

 

(11:37 am IST)