Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ભારે વરસાદને પગલે બાબરા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત : ભયજનક સ્‍થિતિ ટળે નહિં ત્‍યાં સુધી રહેશે બંધ

અમરેલીઃ રાજ્યના અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદ જોવા મળ્યો છે. તેનાથી અમરેલી જિલ્લો પણ અસરગ્રસ્ત જોવા મળ્યો. અમરેલીના રાજુલા, જાફરાબાદ,પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. ત્યારે ભારે વરસાદથી જાફરાબાદના ટીંબી ગામની રૂપેણી નદીમાં પુર જેવી સ્થિતિ ઉભી થયાના અહેવાલ છે. રુપેણીમાં પુરને કારણે જાફરાબાદના માછીમારોને નુકસાન છે તો બીજી તરફ અમરેલીના બાબરા માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમરેલી જિલ્લામાં વરસાદને પગલે બાબરા માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ખરેખરમાં વરસાદની આગાહીને કારણે યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. અને તેનો એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ખેત પેદાશોની આવક બંધ રહેશે. તેમજ ખેડૂતોને પણ માલ લઈને ન આવવા અપીલ કરવામાં આવી છે. જાહેર છે કે આવા વરસાદમાં પાક બગડી જવાની બીકે ખેડૂતો જલ્દીથી માલ માર્કેટમાં પહોંચાડી દેવાનું વિચારતા હોય છે. પરંતુ ભારે વરસાદ અને વરસાદની આગાહીના કારણે આ પ્રક્રિયામાં પણ તકલીફ પડતી હોય છે. જેના પગલે પરિપત્રમાં એજન્ટોને પણ કહેવામાં આવ્યું છે કે ખેડૂતોને માલ લઈને ન આવવા કહેવામાં આવે.

(6:00 pm IST)